JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજપીપળામાં બિરસા મુંડા જયંતી નિમિત્તે ભવ્ય મહિલા સંમેલન યોજાયું

રાજપીપળામાં બિરસા મુંડા જયંતી નિમિત્તે ભવ્ય મહિલા સંમેલન યોજાયું
આદિવાસી સમાજના મહાનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ સપ્તાહના અંતિમ દિવસે રાજપીપળા ખાતે નારી શક્તિના ઉત્સાહ વચ્ચે ભવ્ય મહિલા સંમેલન સંપન્ન થયું.

રાજપીપળાના આંબેડકર હોલ ખાતે આદિવાસી સમાજના મહાનાયક અને ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા જનજાતીય ગૌરવ સપ્તાહના આ અંતિમ દિવસે સમગ્ર કાર્યક્રમ દરમિયાન નારી શક્તિનો અદભુત ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી મહિલાઓએ સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમને સંબોધતા નગરપાલિકા પ્રમુખ શિવાની મહેતાએ મહિલાઓની વિશાળ ઉપસ્થિતિ બદલ ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અગાઉ ઘરના ચાર ખૂણા સુધી મર્યાદિત રહેલી નારી આજે ૫૦ ટકા અનામત અને સરકારી પ્રોત્સાહનના બળે દરેક ક્ષેત્રમાં અગ્રીમ હરોળમાં સ્થાન મેળવી રહી છે. આ પરિવર્તન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર નારીના સ્વપ્નને સાર્થક કરી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સરકાર દીકરીના જન્મથી લઈને તેના શિક્ષણ, સ્વાસ્થ્ય અને કારકિર્દીની સંપૂર્ણ ચિંતા કરી રહી છે, તેમજ ડિજિટલ ક્રાંતિના કારણે હવે કોઈપણ યોજનાઓની માહિતી લાંબી લાઈનો કે કાગળિયા વગર માત્ર એક જ ક્લિક પર નાગરિકો સુધી ઉપલબ્ધ બની છે.

કાર્યક્રમના અંતિમ ચરણમાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે માર્ગદર્શન આપતા સોશિયલ મીડિયાના આ યુગમાં અફવાઓ અને ખોટી વાતોથી દૂર રહીને હંમેશાં સચોટ અને સાચો નિર્ણય લેવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે પરિવાર અને લોકશાહીમાં બહેનોના અત્યંત મહત્વપૂર્ણ સ્થાનને બિરદાવવાની સાથે આરોગ્ય, શિક્ષણ અને ખેતી જેવા વિવિધ ક્ષેત્રોમાં સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી કલ્યાણકારી યોજનાઓનો વિસ્તૃત તાગ મેળવ્યો હતો. સૌને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસલક્ષી વિઝનને ધ્યાનમાં રાખીને આગળ વધવા અનુરોધ કરવાની સાથે આ પ્રસંગે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને ઉત્સાહભેર મંજૂરીહુકમ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

LATEST ARTICLES