પાવીજેતપુર વિધાનસભા ક્ષેત્ર અંતર્ગત પાણીબાર ગામે જનજાતીય ગૌરવ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામીણ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ સંમેલનમાં અકોટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સ્થાનિક ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ ગુજરાત આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ ગોવિંદ રાઠવા સહિત અનેક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના ઉત્થાન અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ચલાવવામાં આવી રહેલા વિવિધ જનકલ્યાણકારી અભિયાનો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સંમેલનને સંબોધતા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓના સચોટ અમલીકરણથી આજની નારી શક્તિ વિવિધ ક્ષેત્રોમાં મક્કમ પગલાં માંડીને આત્મનિર્ભર બની રહી છે. તેમણે વિપક્ષો પર આક્ષેપ કરતા કહ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસી સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૧થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઘોષિત કરીને ભૂતકાળમાં ઉપેક્ષિત રહેલા આદિવાસી મહાનાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ઇતિહાસને યોગ્ય સન્માન અપાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે.
પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલેએ પોતાના વક્તવ્યમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ફાળવાતી કરોડો રૂપિયાની ગ્રાન્ટથી આદિવાસી વિસ્તારોમાં થયેલા રોડ, વીજળી, શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણી જેવા માળખાકીય વિકાસની પ્રશંસા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ સરકારે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ કરીને તેમને પુરુષ સમોવડી બનાવવાની દિશામાં સીમાચિહ્નરૂપ પગલું ભર્યું છે. સરકારના આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પ્રયાસોના પરિણામે આજે આદિવાસી સમાજ ગૌરવભેર પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યો છે.
