વડોદરા જિલ્લાનું મહત્વનું મથક ગણાતા ડભોઇ એસટી બસ ડેપોમાં વહીવટી બેદરકારી ચરમસીમાએ પહોંચી છે. અહીં આવતી એસટી બસોના સમયપત્રક અનિયમિત હોવાને કારણે મુસાફરોને કલાકો સુધી બસની રાહ જોઈને ડેપો પર ઊભા રહેવું પડે છે. જ્યારે લાંબી રાહ જોયા બાદ બસ આવે છે, ત્યારે મુસાફરોમાં ચડવા માટે ભારે પડાપડી જોવા મળે છે. એક જ બસમાં ક્ષમતા કરતાં વધુ, એટલે કે 70 થી 80 મુસાફરોને બેસાડવાની નોબત આવે છે, જેના કારણે ખાસ કરીને મહિલાઓ, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને અસહ્ય હાલાકી વેઠવી પડે છે.
ડભોઇ-વડોદરા રૂટ એસટી નિગમ માટે સૌથી વધુ કમાણી કરી આપતો રૂટ હોવા છતાં, અહીં બસોનું પ્રમાણ અત્યંત નિરાશાજનક છે. આ રૂટ પર દૈનિક ધોરણે અપડાઉન કરતા નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ મોટી છે, છતાં પણ તંત્ર દ્વારા મર્યાદિત બસો જ દોડાવવામાં આવે છે. બીજી તરફ, તંત્રની ઘોર બેદરકારીના કારણે કેટલીક ખખડધજ અને જૂની બસોને પણ રસ્તા પર દોડાવવામાં આવી રહી છે, જે અવારનવાર રસ્તામાં બગડી જાય છે. આ પરિસ્થિતિનો લાભ લઈને ખાનગી વાહનચાલકો મનમાની કરી રહ્યા છે અને મુસાફરો આર્થિક તેમજ માનસિક શોષણનો ભોગ બની રહ્યા છે.
મુસાફરો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં એસટી નિગમના સત્તાધીશો દ્વારા આ ગંભીર સમસ્યા તરફ આંખમીંચામણા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરોની પ્રબળ માંગ છે કે ડભોઇ ડેપો ખાતે વહીવટી સુધારો કરવામાં આવે અને મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને આ રૂટ પર વધુમાં વધુ નવી તથા ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવે. જો વહેલી તકે આ મામલે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે, તો આગામી દિવસોમાં મુસાફરો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
