મહિસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે બુધવારે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત ભવ્ય મહિલા સંમેલન યોજાયું હતું. બાળ સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર અને પૂર્વ સાંસદ રમિલાબેન બારાની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિને યાદ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સંબોધતા બાળ સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમાજનું યોગદાન અત્યંત અમૂલ્ય અને ગૌરવપૂર્ણ રહ્યું છે. ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની નાની વયે રાષ્ટ્ર અને સમાજના સ્વાભિમાન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું, જેમાંથી આજની યુવા પેઢી અને માતૃશક્તિએ પ્રેરણા લેવી આવશ્યક છે. આ પ્રસંગે પૂર્વ સાંસદ રમિલાબેન બારાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દાયકામાં આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થયો છે.
આ સંમેલનમાં સ્થાનિક ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડિંડોરે ઉપસ્થિત માતાઓ અને બહેનોને સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ તથા મહિલા સશક્તિકરણની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ભવ્ય આયોજન દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બહેનોને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોર, નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
