JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

એમ એસ યુનિવર્સિટીના પેવેલિયનનું રૂ. 24 કરોડના ખર્ચે ગ્લોબલ સ્પોર્ટ્સ હબ તરીકે થશે નવસર્જન

એમ એસ યુનિવર્સિટીના પેવેલિયનનું રૂ. 24 કરોડના ખર્ચે ગ્લોબલ સ્પોર્ટ્સ હબ તરીકે થશે નવસર્જન
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ સાથે વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે વિકસાવવામાં આવશે. અંદાજે 24 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓને પ્રોફેશનલ તાલીમ મળવાની સાથે યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્પર્ધાઓની યજમાની મળવાનો માર્ગ મોકળો થશે.

શહેરની નામાંકિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) હવે રમત-ગમત ક્ષેત્રે પશ્ચિમ ભારતના એક અગ્રણી કેન્દ્ર તરીકે ઊભરી આવવા માટે પૂરી રીતે સજ્જ થઈ રહી છે. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા રમત-ગમતની સવલતોના સર્વાંગી વિકાસ માટે આશરે રૂા. 24 કરોડની વહીવટી બજેટ જોગવાઈ સાથેનું એક ભવ્ય આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રમતગમતના ચાર મુખ્ય મેગા પ્રોજેક્ટ્સની અંદાજિત કિંમત રૂા. 20 થી રૂા. 26.75 કરોડ સુધીની આંકવામાં આવી છે, જે યુનિવર્સિટીના ખેલ જગતમાં ક્રાંતિકારી બદલાવ લાવશે.

આ આધુનિક આયોજન હેઠળ ચાર મુખ્ય સંકુલનું આંતરરાષ્ટ્રીય માપદંડોને ધ્યાનમાં રાખીને નવસર્જન કરવામાં આવશે. જેમાં વર્લ્ડ એથ્લેટિક્સ સ્ટાન્ડર્ડનો 400 મીટરનો 8-લેન સિન્થેટિક ટ્રેક, હોકીની રમત માટે FIH સર્ટિફાઇડ વોટર-બેઝ્ડ સિન્થેટિક એસ્ટ્રોટર્ફ, સેન્ટ્રલાઇઝ્ડ એસી સુવિધા યુક્ત મલ્ટિપર્પઝ હોલ તેમજ સ્વિમિંગ પૂલનું અત્યાધુનિક ટેક્નિકલ આધુનિકીકરણ સામેલ છે. વૈશ્વિક સ્તરની આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થવાથી યુનિવર્સિટીના ખેલાડીઓ અને વિદ્યાર્થીઓને અત્યંત ઉચ્ચ કક્ષાનું વાતાવરણ મળી રહેશે.

આ ચારેય અત્યાધુનિક પ્રોજેક્ટ્સ સાકાર થવાથી બી.પી.ઇ.એસ. (BPES) અને પી.જી.ડી.એચ.એફ. (PGDHF) ના વિદ્યાર્થીઓને પ્રોફેશનલ અને પ્રેક્ટિકલ તાલીમ મેળવવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થશે, એટલું જ નહીં પરંતુ સ્પોર્ટ્સ સાયન્સના ક્ષેત્રે રિસર્ચ અને સંશોધનોને પણ વેગ મળશે. આ ભવ્ય રમત-ગમત સંકુલ તૈયાર થવાથી આગામી સમયમાં MSU ને એઆਈયુ (AIU) નેશનલ ઇન્ટર-યુનિવર્સિટી ચેમ્પિયનશિપની યજમાની મેળવવાની તકો પણ સરળ બનશે, જે સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત સાબિત થશે.

LATEST ARTICLES