લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ પોતાના બે દિવસીય અમેરિકા પ્રવાસે છે, જ્યાં તેમણે ન્યુયોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને સંબોધિત કરતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ભારત હાલ એક ગંભીર આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યું છે અને દેશમાં બેરોજગારી તેમજ શિક્ષણ વ્યવસ્થા સૌથી મોટી સમસ્યાઓ બની ગઈ છે. મધ્યમ વર્ગના યુવાનો ભણતર પછી પોતાના ભવિષ્યને લઈને નિરાશ થઈ રહ્યા છે અને સરકાર આ વાસ્તવિકતાથી મોં ફેરવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદી સુધારણાની મહાકવાયત અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીની કાયદેસરતા સામે પણ મોટા સવાલો ખડા કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ પ્રક્રિયા પાછળ અંદાજ કરતા ઘણો વધારે ખર્ચ થયો છે જેનો સાર્વજનિક હિસાબ મળવો જોઈએ. ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ લગાવતા તેમણે જણાવ્યું કે દેશમાં અંદાજે ૧૩ કરોડ મતદારોના નામ કપાવા જેવી બાબતો ચૂંટણીની ન્યાયિકતા પર શંકા ઉપજાવે છે અને તેમની પાસે આ અંગેના પુરાવાઓ પણ ઉપલબ્ધ છે.
કોલંબિયા યુનિવર્સિટીના કેમ્પસમાં એક તરફ જ્યાં વિદ્યાર્થીઓમાં રાહુલ ગાંધી સાથે સેલ્ફી લેવા અને હાથ મિલાવવાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, તો બીજી તરફ વિરોધનો સુર પણ ઉઠ્યો હતો. યુનિવર્સિટી પરિસરમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને 'સિક્ખ્સ ફોર જસ્ટિસ'ના સમર્થકોએ તેમના કાફલા સામે દેખાવો કર્યા હતા અને આ દરમિયાન ભારતીય ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યું હોવાની ઘટના પણ સામે આવી હતી. જોકે, સ્થાનિક પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને વિરોધ કરનારાઓને હટાવ્યા હતા અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો, ત્યારબાદ રાહુલ ગાંધી શિકાગો યુનિવર્સિટી તરફ જવા રવાના થયા હતા.
