બર્લિન સહિત અનેક દેશોના સ્વાસ્થ્ય વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસ મુજબ, રોજિંદા આહારમાં લેવાતી સવારની ચા, બપોરનું દહીં, સાંજની કોફી કે રાત્રિના સમયે લેવાતો વાઇન એન્ટિબાયોટિક દવાઓની અસરને નબળી પાડી શકે છે. ભોજન અને દવાઓનું આ રિએક્શન દરેક એન્ટિબાયોટિકના પ્રકાર પ્રમાણે અલગ-અલગ હોય છે. દૂધ, દહીં, પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ, કેલ્શિયમ-ફોર્ટિફાઇડ જ્યુસ, ટોફુ અને કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ કેટલીક ખાસ એન્ટિબાયોટિક દવાઓ માટે મોટો અવરોધ બને છે. પાચનતંત્રમાં રહેલું કેલ્શિયમ જ્યારે એન્ટિબાયોટિકના અણુઓ સાથે ચોંટી જાય છે, ત્યારે એક એવું મિશ્રણ બને છે જેને શરીર સરળતાથી શોષી શકતું નથી. આના પરિણામે દવાની માત્ર નહિવત માત્રા જ લોહી સુધી પહોંચી શકે છે અને દર્દીને દવાની અપેક્ષિત અસર મળતી નથી.
આ અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે, સંતરા, મોસંબી, ગ્રેપફ્રુટ અને ટમેટા જેવા ખટાશવાળા ફળો દવાઓની પચવાની પ્રક્રિયામાં સીધા વિઘ્નરૂપ બને છે. આ પ્રકારના અત્યાધિક ખાદ્ય પદાર્થો દવાઓની સ્થિરતાને ગંભીરપણે પ્રભાવિત કરે છે, જેના કારણે શરીરમાં કેફીનના તૂટવાની કે પાચનની ગતિ ઘણી ધીમી પડી જાય છે. દરેક એન્ટિબાયોટિક દવામાન શરીર પર અલગ પ્રભાવ હોય છે, અને ખોરાક સાથેની તેની પ્રક્રિયા પણ ભિન્ન હોય છે. આથી, અજાણતા જ ખોરાક દ્વારા દવાની ગુણવત્તા અને તેની તાકાત ઓછી થઈ જતી હોય છે, જે લાંબા ગાળે રોગમુક્ત થવાની પ્રક્રિયાને લાંબી ખેંચી શકે છે અથવા તો ધાર્યું પરિણામ લાવવામાં નિષ્ફળ નીવડે છે.
આ ગંભીર સમસ્યાથી બચવા માટે દર્દીઓએ દવાઓનું સેવન કરતી વખતે કેટલીક વિશેષ સાવધાની રાખવી અનિવાર્ય છે. જ્યારે ડોક્ટર એન્ટિબાયોટિક લખી આપે, ત્યારે તે દવા જમવાની સાથે લેવાની છે કે ખાલી પેટે, તેની સ્પષ્ટ માહિતી મેળવી લેવી જોઈએ. જો દવાની સાથે દૂધ કે કેલ્શિયમ લેવાની મનાઈ હોય, તો દવા લેવા અને ડેરી પ્રોડક્ટ ખાવા વચ્ચે ઓછામાં ઓછા બે કલાકનું અંતર રાખવું હિતાવહ છે. આ ઉપરાંત, પ્રિસ્ક્રિપ્શન સાથે આપેલી ગાઇડલાઇન્સને ધ્યાનથી વાંચીને કેફીન કે ખાટા ફળોની પરેજી અવશ્ય પાળવી જોઈએ, જેથી દવા શરીરમાં પૂરેપૂરી રીતે શોષાઈ શકે અને રોગ સામે જલદીથી લડી શકે.
