JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

રાજકોટના અજરામર સ્થા.જૈન સંઘમાં પ્રથમવાર નવ દંપતીઓના સામુહિક બ્રહ્મચર્ય વ્રત અને વિહાર સેવકોનું ભવ્ય સન્માન

રાજકોટના અજરામર સ્થા.જૈન સંઘમાં પ્રથમવાર નવ દંપતીઓના સામુહિક બ્રહ્મચર્ય વ્રત અને વિહાર સેવકોનું ભવ્ય સન્માન
રાજકોટ ખાતે ગચ્છાધિપતિ આચાર્યશ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં અજરામર સ્થા.જૈન સંઘ દ્વારા પ્રથમવાર ૯ દંપતીઓના આજીવન શીલવ્રત અને ૧૮ વિહાર સેવકોની નિઃસ્વાર્થ સેવાને બિરદાવતો અનોખો સન્માન સમારોહ યોજાયો હતો.

રાજકોટના અજરામર સ્થા.જૈન સંઘના ઉપક્રમે આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રે એક અદ્ભુત તેમજ પ્રેરણાદાયી ઇતિહાસ રચાયો છે. પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરૂદેવશ્રી ભાવચંદ્રજી સ્વામીની પવિત્ર નિશ્રામાં સંઘ દ્વારા પ્રથમ વખત સામુહિક બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરનાર દંપતીઓ તથા સાધુ-સાધ્વીજીઓની સેવા કરનાર વિહાર સેવકોના સન્માનાર્થે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અનુષ્ઠાનમાં સંઘના અનેક અગ્રણીઓ અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પુણ્યકાર્યને વધાવ્યું હતું.

આ વિશેષ પ્રસંગે સમાજના નવ જેટલા દંપતીઓએ સાંસારિક મોહમાયાથી ઉપર ઉઠીને આજીવન શીલવ્રત એટલે કે બ્રહ્મચર્ય ધારણ કરવાનો અત્યંત પ્રશંસનીય નિર્ણય કર્યો હતો. આ વ્રત લેનાર દંપતીઓમાં શ્રીમતી લતાબેન હસમુખભાઈ બોરડીયા, આશાબેન મુકેશભાઈ શાહ, પીનાબેન મહેશભાઈ વોરા, રેખાબેન મહાવીરભાઈ ડેડીયા, ભાવનાબેન વિજયભાઈ પારેખ, કલ્પનાબેન જીતેન્દ્રભાઈ શાહ, વંદનાબેન પ્રદીપભાઈ ગોસલીયા, જ્યોત્સનાબેન જીતેન્દ્રભાઈ દોઢીવાળા અને નીલાબેન કીર્તીભાઈ મેઘાણીનો સમાવેશ થાય છે. તેમના આ સંયમી જીવનના માર્ગને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ વંદન કરી ધન્યવાદ પાઠવ્યા હતા.

આ ઉપરાંત, અજરામર યુવા સંઘ રાજકોટના વિહાર ગ્રુપના ૧૮ યુવાન સેવકોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે સંત-સતીજીઓની પગપાળા વિહાર યાત્રા દરમિયાન સાથે રહીને નિઃસ્વાર્થ ભાવે ઉત્તમ સેવાઓ આપી છે. ટ્રસ્ટીઓ દ્વારા હર્મેશ ઠોસાણી, પરીન સંઘવી, નીરવ વખારીયા સહિતના તમામ ૧૮ સેવકોને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે પૂજ્ય છોટે ગુરૂદેવ શ્રી વિમલચન્દ્રજી સ્વામી અને ડો.શ્રી ચિંતનચન્દ્રજી સ્વામીએ વ્રતધારીઓ અને સેવકોને પોતાના હાર્દિક આશીર્વાદ પાઠવ્યા હતા તેમ સંઘના પ્રમુખ મધુકાન્ત ખંધાર અને કમલેશભાઈ શાહે એક યાદીમાં જણાવ્યું હતું.

LATEST ARTICLES