મુંબઈ શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી એકધારી તેજીને આજના કારોબારમાં બ્રેક લાગી હતી. બજારની શરૂઆત જ નબળા ટોન સાથે થઈ હતી કારણ કે રોકાણકારો દ્વારા ઊંચા સ્તરે નફારૂપી વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. વેપાર દરમિયાન સેન્સેક્સમાં ૬૦૦ પોઈન્ટથી વધુનું મોટું ગાબડું પણ પડ્યું હતું, જો કે સત્રના અંત ભાગમાં થોડી ખરીદી નિકળતા બજારમાં આંશિક રિકવરી જોવા મળી હતી અને સેન્સેક્સ ૩૭૧ પોઈન્ટ ઘટીને ૮૧,૫૩૯ ની સપાટી પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત નેશનલ સ્ટોક એક્સચેન્જ (નિફ્ટી) પણ ૧૭૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫,૧૨૨ પર સ્થિર થયો હતો.
બજારમાં આવેલા આ અચાનક ઘટાડા પાછળ વૈશ્વિક અસ્થિરતાની સાથે-સાથે સ્થાનિક પરિબળો પણ જવાબદાર રહ્યા હતા. દેશમાં ઊંચો ફુગાવો અને આગામી સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવશે તેવી દહેશતે રોકાણકારોમાં ખચકાટ સર્જ્યો હતો. જો કે, વિદેશી સંસ્થાઓની લેવાલી યથાવત રહેવાથી અને ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવ મોરચે થોડી રાહત મળવાથી બજારને સંપૂર્ણ પતનથી મોટો ટેકો જરૂર મળ્યો હતો, તેમ છતાં નિષ્ણાતોના મતે વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ પ્રવર્તી રહ્યો છે.
આજના કારોબાર દરમિયાન વિવિધ સેક્ટર્સ અને શેરોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. હિટાચી એનર્જી, અંબર એન્ટરપ્રાઈઝ, સીમેન્સ, ક્યુમીન્સ, રિલાયન્સ, પંજાબ નેશનલ બેંક અને એમસીએક્સ જેવા પસંદગીના શેરોમાં સારો સુધારો નોંધાયો હતો અને તે પોઝિટિવ રહ્યા હતા. બીજી બાજુ, મન્નાપુરમ, શ્રીરામ ફાઈનાન્સ, આલ્કેમ લેબ, સ્વીગી, વોડાફોન, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક, સુઝલોન, દિગ્જામ, પતંજલિ અને ટાટા કેપિટલ જેવા દિગ્ગજ શેરોમાં નરમાઈ જોવા મળી હતી અને તેમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
