JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

શેરબજારમાં ઉત્સાહપૂર્ણ માહોલ: સેન્સેક્સે ૮૨,૦૦૦ની સપાટી કુદાવી, ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈ

શેરબજારમાં ઉત્સાહપૂર્ણ માહોલ: સેન્સેક્સે ૮૨,૦૦૦ની સપાટી કુદાવી, ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈ
નવા સપ્તાહના પ્રારંભે મુંબઈ શેરબજારમાં તેજીનો પવન જોવા મળ્યો હતો, જ્યાં સેન્સેક્સ ૮૨,૦૦૦ની ઐતિહાસિક સપાટી કુદાવ્યા બાદ સાધારણ પાછો પડ્યો હતો છતાં ૩૦૦થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. આ સાથે જ કરન્સી માર્કેટમાં પણ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ સારો એવો સુધારો નોંધાયો હતો.

રાજકોટ ખાતે પ્રાપ્ત વિગતો અનુસાર, સપ્તાહના પ્રથમ દિવસે મુંબઈ શેરબજારમાં રોકાણકારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને બજાર હરિયાળા રંગે રંગાયું હતું. હેવીવેઈટ શેરોમાં ભારે લેવાલી રહેવાને કારણે સેન્સેક્સે ઇન્ટ્રા-ડે દરમિયાન ૮૨,૦૦૦ની જાદુઈ સપાટીને પાર કરી લીધી હતી અને ઊંચામાં ૮૨,૩૧૧ સુધી પહોંચ્યો હતો. જો કે, ઊંચા મથાળે નફાવસૂલી અને જથ્થાબંધ ફુગાવામાં વૃદ્ધિ તથા રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવશે તેવી અટકળોને કારણે બજારમાં બે તરફી વધઘટ રહી હતી, જેના પરિણામે અંતે સેન્સેક્સ ૩૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧,૯૩૧ ની સપાટી પર બંધ રહ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૭૭ પોઈન્ટના સુધારા સાથે ૨૫,૨૨૧ ના સ્તરે સ્થિર થયો હતો.

બજારમાં જોવા મળેલી આ તેજી પાછળ અનેક સકારાત્મક પરિબળો જવાબદાર રહ્યા હતા, જેમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નબળાઈ, કોર્પોરેટ સેક્ટરની શાનદાર કામગીરી, દેશનો જીડીપી વિકાસદર ઊંચો રહેવાનો મજબૂત આશાવાદ તેમજ વૈશ્વિક મોરચે રાહતનો માહોલ મુખ્ય હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા જારી રહેલી જંગી લેવાલીના કારણે બજારનું ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ તેજી તરફી રહ્યું હતું. મેક્સ હેલ્થકેર, ફોર્ટીસ, આઈટીસી, એચડીએફસી બેંક, ભારતી એરટેલ અને સ્ટેટ બેંક જેવા અગ્રણી શેરોમાં તેજીનું મોજું ફરી વળ્યું હતું, જ્યારે અંબર એન્ટરપ્રાઈઝ અને આઈનોક્સ વિન્ડ સહિતના કેટલાક શેરોમાં સાધારણ ઘટાડો પણ નોંધાયો હતો.

શેરબજારની સાથોસાથ કરન્સી માર્કેટમાં પણ ભારતીય ચલણ માટે સારા સમાચાર સામે આવ્યા હતા. અમેરિકી ડોલર સામે રૂપિયો ૨૧ પૈસા મજબૂત થઈને ૯૪.૦૪ ના સ્તરે પહોંચ્યો હતો, જે અર્થતંત્રની સ્થિરતા દર્શાવે છે. વૈશ્વિક બજારની વાત કરીએ તો ડબલ્યુટીઆઈ ક્રૂડ ૮૯.૧૨ ડોલર અને બ્રેન્ટ ક્રૂડ ૯૬.૩૧ ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. નિષ્ણાતોના મતે, હાલ ભલે ટ્રેન્ડ તેજીનો છે પરંતુ આગામી દિવસોમાં જાહેર થનારા આર્થિક આંકડાઓ બજારની ચાલ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

LATEST ARTICLES