JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ટિકિટ વહેંચણી પહેલા ભાજપનો સિક્રેટ સર્વે: ધારાસભ્યોના જમીની અહેવાલના આધારે જ થશે ઉમેદવારી નક્કી

ટિકિટ વહેંચણી પહેલા ભાજપનો સિક્રેટ સર્વે: ધારાસભ્યોના જમીની અહેવાલના આધારે જ થશે ઉમેદવારી નક્કી
ભાજપે આગામી ચૂંટણીઓમાં એન્ટી-ઇન્કમબન્સી લહેરને ડામવા માટે ધારાસભ્યોના કાર્યો અને લોકપ્રિયતા ચકાસવા એક અત્યંત ગુપ્ત સર્વેની નવી રણનીતિ અપનાવી છે. હવે નેતાઓની ભલામણોને બાજુ પર રાખીને માત્ર જમીની હકીકત અને જીતવાની ક્ષમતાના આધારે જ ટિકિટો ફાળવવામાં આવશે.

ગુજરાતમાં લાંબા સમયથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીએ હવે આગામી ચૂંટણીઓ માટે ઉમેદવાર પસંદગીની પરંપરાગત પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કર્યું છે. સામાન્ય રીતે ચૂંટણી ટાંકણે લેવાતી સેન્સમાં પક્ષના વગદાર નેતાઓના દબાણને કારણે ઘણીવાર સાચું ચિત્ર સામે આવતું નથી અને સ્થાનિક કક્ષાનો અસંતોષ અણધારેલું નુકસાન કરાવી જાય છે. આ બાબતને ગંભીરતાથી લઈને પક્ષે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડથી એક નવી ગુપ્ત સર્વે પદ્ધતિનો પ્રારંભ કર્યો છે, જે ક્રમશઃ ગુજરાત સુધી લાગુ કરવામાં આવશે. આ માઇક્રો મેનેજમેન્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે પ્રવર્તતા અસંતોષને સમયસર ઓળખીને પક્ષને સંભવિત નુકસાનમાંથી બચાવવાનો છે.

આ વ્યુહરચનાના ભાગરૂપે રાજકીય સર્વેમાં નિપુણ વિશિષ્ટ એજન્સીઓને મેદાનમાં ઉતારવામાં આવી છે, જે ધારાસભ્યોના જમીની સ્તરના કાર્યોનું ઝીણવટભર્યુ મૂલ્યાંકન કરશે. સંબંધિત ધારાસભ્ય પોતાના મતવિસ્તારમાં કેટલા સક્રિય છે, વિકાસના કેટલા કામો પૂરા કર્યા છે અને પ્રજા વચ્ચે તેમની છબી કેવી છે તે તમામ બાબતો આ રિપોર્ટમાં માપવામાં આવશે. આ સાથે જ પ્રજામાં રહેલા અસંતોષનું મૂળ કારણ સ્થાનિક ધારાસભ્ય સામે છે કે રાજ્ય સરકારના નેતૃત્વ સામે, તેનું પણ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે જેથી ચૂંટણી ટાંકણે ઉમેદવારોના ચહેરા બદલવા કે જ્ઞાતિ-જાતિના સમીકરણો ગોઠવવાનો સમયસર નિર્ણય લઈ શકાય.

હાલમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અમલમાં મૂકાયેલી આ ખાસ ફોર્મ્યુલાના પરિણામોની ચૂંટણી બાદ ઊંડી સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષાના આધારે મળેલા અનુભવો મુજબ તેમાં જરૂરી સુધારા કરીને વર્ષ ૨૦૨૭માં બીજા તબક્કામાં ચૂંટણી તરફ આગળ વધી રહેલા ગુજરાત સહિતના રાજ્યોમાં આ વ્યવસ્થા કડકાઈથી લાગુ કરાશે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે મજબૂત નેતૃત્વ હોવા છતાં લોકલ ધારાસભ્યોના અસંતોષને કારણે એક પણ બેઠકનું જોખમ ન લેવાની નેમ સાથે પક્ષે હવે માત્ર અને માત્ર પારદર્શક રિપોર્ટ અને વિજયી બનવાની ક્ષમતાને જ ટિકિટ માટેનું એકમાત્ર ધોરણ બનાવ્યું છે.

LATEST ARTICLES