દર મહિનાની પહેલી તારીખે ખાતામાં જમા થતો પગાર કર્મચારીઓ માટે રાહત લઈને આવે છે, પરંતુ ભાડું, કરિયાણાનો સામાન, વીજળીના બિલ અને બાળકોના ખર્ચાઓ તેને ગણતરીની દિવસોમાં ખાલી કરી દે છે. આજના સમયમાં જો તમારી ખરીદીની યાદી બદલાયી ન હોય છતાં તમારે વધુ પૈસા ચૂકવવા પડે છે, જેનું મુખ્ય કારણ વધતી મોંઘવારી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ઇન્ફ્લેશન એપેક્ટેશન્સ સર્વે મુજબ, આગામી વર્ષોમાં ફુગાવાનો દર ઊંચો જવાની સંભાવના છે, જેની સીધી અસર ગૃહિણીઓ અને મધ્યમ વર્ગીય પરિવારોના રસોડા પર પડી રહી છે. રીટેલ મોંઘવારી દર આરબીઆઈની નિર્ધારિત મર્યાદાને વટાવી ગયો છે, જેમાં દૂધ, શાકભાજી, કઠોળ અને ખાદ્ય તેલ જેવી રોજિંદી જરૂરિયાતોના ભાવ આસમાને પહોંચ્યા છે.
પશ્ચિમ એશિયાના તણાવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતાને કારણે પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધ્યો છે, જેની સીધી અસર છૂટક બજારના ભાવો પર જોવા મળી રહી છે. ડુંગળી, લસણ, આદુ અને લીંબુ સહિતના રસોડાના મુખ્ય સામાનના ભાવમાં ધરખમ વધારો થયો છે. એક તરફ કંપનીઓ દ્વારા કર્મચારીઓને ૯ ટકા સુધીનો સારો પગાર વધારો આપવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ મોંઘવારીનો ગ્રાફ તેનાથી પણ વધુ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. ગ્રાન્ટ થોર્ન્ટન ભારતના રિપોર્ટ મુજબ મોટો વર્ગ માને છે કે તેમની આવક ભવિષ્યની મોંઘવારી સામે ટકી શકવા માટે પૂરતી નથી. આ સ્થિતિમાં લોકો પોતાની જીવનશૈલી જાળવી રાખવા માટે બિનજરૂરી ખર્ચાઓ કાપી રહ્યા છે અને માત્ર આવશ્યક ચીજવસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
આર્થિક નિષ્ણાતોના મતે, મોંઘવારી માત્ર આવકને જ નહીં પરંતુ વ્યક્તિની ખરીદશક્તિને પણ નબળી પાડે છે, જેથી ભવિષ્યની બચત પર ગંભીર અસર પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો શહેરોની સરખામણીએ મોંઘવારીનો માર વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. આર્થિક મુશ્કેલીઓથી બચવા માટે નાણાકીય નિષ્ણાતો કટોકટીના સમય માટે ૩ થી ૬ મહિનાનો ઇમરજન્સી ફંડ તૈયાર કરવાની, ઊંચા વ્યાજવાળા દેવા ચૂકવી દેવાની અને રોજિંદા ખર્ચાઓ પર કાબૂ રાખવાની સલાહ આપે છે. જો સરકારી અને આર્થિક સ્તરે અન્ન પુરવઠા વ્યવસ્થા અને સંગ્રહ ક્ષમતા સુધારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં પણ સામાન્ય માનવીએ મોંઘવારીનો સામનો કરતા રહેવું પડશે.
