JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

કલકત્તા હાઈકોર્ટ દ્વારા ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સામે અદાલતી તિરસ્કારની નોટિસ જાહેર

કલકત્તા હાઈકોર્ટ દ્વારા ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સામે અદાલતી તિરસ્કારની નોટિસ જાહેર
કલકત્તા હાઈકોર્ટે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીના સોશિયલ મીડિયા પોસ્ટ અને નિવેદનોને ગંભીરતાથી લઈને તેમની સામે ફોજદારી તિરસ્કારની નોટિસ ફટકારી છે. સાથે જ અદાલતે પશ્ચિમ બંગાળ સરકારને તેમની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો પણ આદેશ આપ્યો છે.

કલકત્તા હાઈકોર્ટે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના પ્રભાવશાળી સાંસદ અભિષેક બેનર્જી સામે કડક વલણ અપનાવતા 'પ્રત્યક્ષ ફોજદારી તિરસ્કાર' (એક્સ ફેસી ક્રિમિનલ કન્ટેમ્પ્ટ) બદલ કારણ દર્શાવો નોટિસ જારી કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ કૃષ્ણા રાવની બેન્ચે ગત ૭ નવેમ્બરના રોજ કરાયેલી સોશિયલ મીડિયા પોસ્ટ અને આપેલા નિવેદનોના ટ્રાન્સક્રિપ્ટની ઊંડાણપૂર્વક ચકાસણી કર્યા બાદ આ કાર્યવાહી શરૂ કરી છે. અદાલતના મતે સાંસદની આ પ્રકારની ટિપ્પણીઓ ન્યાયતંત્રની કામગીરીમાં સીધો હસ્તક્ષેપ સમાન છે. આ મામલે હાઈકોર્ટે અભિષેક બેનર્જીને નોટિસ મળ્યા તારીખથી આગામી ૧૫ દિવસની અંદર પોતાનો લેખિત જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે, જ્યારે કેસની આગામી સુનાવણી આગામી ૮ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

આ કાનૂની વિવાદની સાથે-સાથે હાઈકોર્ટે અભિષેક બેનર્જીની સુરક્ષા ઘટાડવાના મુદ્દે પણ મહત્ત્વનો આદેશ આપ્યો છે. અદાલતે પશ્ચિમ બંગાળ સરકારના ગૃહ અને પર્વતીય બાબતોના વિભાગના પ્રમુખ સચિવને એક ખાસ સમીક્ષા સમિતિની બેઠક બોલાવવાનો નિર્દેશ આપ્યો છે. નોંધનીય છે કે ડાયમંડ હાર્બરના સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ પોતાની સુરક્ષા ઝેડ-પ્લસમાંથી ઘટાડીને એક્સ કેટેગરીમાં ફેરવી દેવા સામે અરજી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તાજેતરમાં તેમના નિવાસસ્થાન પર હુમલા થયા છે અને જીવનું જોખમ હોવા છતાં રાજકીય બદલાની ભાવનાથી તેમની સુરક્ષા વ્યવસ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે તેમને ઊંડી માનસિક ચિંતા સતાવી રહી છે.

બીજી બાજુ, ન્યાયતંત્ર સામેના અપમાનજનક નિવેદનો અને હાઈકોર્ટના આ કડક પગલાં પર રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે. શાસક અને વિરોધ પક્ષો વચ્ચે આ મુદ્દે શાબ્દિક યુદ્ધ છેડાયું છે, જેમાં ભાજપના નેતાઓ અને મંત્રીઓએ અભિષેક બેનર્જી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે તેઓ અગાઉની સરકારની જેમ મનફાવે તેમ નિવેદનો આપવાની આદત ધરાવે છે. ન્યાયતંત્ર વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ તેમણે કાયદાકીય પરિણામો ભોગવવા જ પડશે અને યોગ્ય સજા મળવી જોઈએ. એક તરફ જ્યાં સાંસદની સુરક્ષા સમીક્ષાનો માર્ગ મોકળો થયો છે, તો બીજી તરફ અદાલતી તિરસ્કારનો આ કેસ આગામી દિવસોમાં રાજકીય અને કાનૂની મોરચે વધુ તીવ્ર બને તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

LATEST ARTICLES