વડોદરા જિલ્લાના સાવલી મતવિસ્તારના સક્રિય ધારાસભ્ય કેતન ઈનામદારે અન્નદાતાઓની વ્યાપક સમસ્યાઓને વાચા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગંભીર રજૂઆતો કરી છે. હાલ રાજ્યમાં વરસાદે લાંબો વિરામ લીધો છે અને ખેતરોમાં ઊભા પાકને બચાવવા માટે પિયતની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. આવી નાજુક પરિસ્થિતિમાં ખેડૂતોને વીજળી અને સિંચાઈના પાણી જેવી પાયાની સવલતો નિયમિત ન મળવાના કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે. ધારાસભ્યએ આ મુદ્દે તાત્કાલિક નક્કર પગલાં લેવા માટે સરકારનું ધ્યાન દોર્યું છે જેથી કિસાનોને આર્થિક નુકસાનમાંથી બચાવી શકાય.
વીજ પુરવઠા અંગે વિગતવાર રજૂઆત કરતા ધારાસભ્યએ જણાવ્યું કે, સરકારે અગાઉ ખેતીવાડી માટે દસ કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી પરંતુ સત્તાવાર પરિપત્ર બહાર ન આવવાને કારણે ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત છે. વાસ્તવિક સ્થિતિ એવી છે કે દસ કલાક તો દૂર, હાલ આઠ કલાક પણ નિયમિત વીજ પુરવઠો મળતો નથી જેના કારણે ખેતીના તમામ મહત્વના કામો અધ્ધરતાલ થઈ ગયા છે. ખેડૂતોના હિતને સર્વોપરી ગણીને તેમણે તો ત્યાં સુધી ભલામણ કરી છે કે વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને દસ કલાકને બદલે બાર કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે જેથી પાકનું સુરક્ષિત જતન થઈ શકે.
આ સાથે જ બીજા પત્રમાં નર્મદા કેનાલની સફાઈ અને સિંચાઈના પાણીના પ્રશ્નને ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યો છે. કેનાલોમાં સમયસર સફાઈ ન થવાના કારણે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું નથી અને વૈકલ્પિક પાણી વિતરણનું કોઈ ચોક્કસ સમયપત્રક ન હોવાથી પાકને વ્યાપક નુકસાન થયું છે. ધારાસભ્યએ માંગ કરી છે કે કેનાલોની સફાઈ ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવે અને અગાઉ પાક નુકસાન વેઠી ચૂકેલા પ્રભાવિત ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય આર્થિક સહાય કે વળતર ચૂકવવામાં આવે.
