મહેસાણા જિલ્લાના ખેરાલુ-વિસનગર હાઈવે પર એક અત્યંત દિલધ્રુજાવનારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના રહેવાસી મુકેશભાઈ સથવારા પોતાની મોટરસાઈકલ પર એક મહિલા સાથે પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક શંકાસ્પદ ફોરચુનર કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક ચાલક મુકેશભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે સવાર મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા 112 પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તુરંત જ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી.
અકસ્માત સર્જ્યા બાદ ફોરચુનર કારનો ચાલક ગાડી ત્યાં જ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પરંતુ આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે એક શરમજનક દ્રશ્ય જોવા મળ્યું હતું. અકસ્માતગ્રસ્ત કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરેલો હોવાનું બહાર આવતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. માનવતાનેવે મૂકીને લોકોએ ઘાયલ મહિલા અને મૃતક બાઈક ચાલકની સ્થિતિ જોવાની કે મદદ કરવાની બદલે ખુલ્લેઆમ કારમાંથી દારૂની બોટલોની લૂંટ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ પહોંચે તે પહેલા જ અસામાજિક તત્વો કારમાં રહેલો દારૂ લૂંટીને પલાયન થઈ ગયા હતા, જેણે સ્થાનિક કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ખડા કર્યા છે.
સમગ્ર અકસ્માત અને દારૂની હેરાફેરીના આ બનાવની જાણ થતાં જ વડનગર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત અને દારૂની બિનવારસી ગાડી બાબતે સઘન તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ કાર કોની હતી, તેમાં આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો તે બાબતો અંધારામાં છે. વડનગર પોલીસે ફરાર કાર ચાલકને પકડી પાડવા અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
