ભારતીય સંરક્ષણ દળો દ્વારા સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના સહયોગથી જામનગર એરફોર્સ સ્ટેશન પર તા. ૧૭ થી ૧૯ નવેમ્બર દરમિયાન 'સહાયતા સેતુ' એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના નિર્દેશો હેઠળ યોજાતી આ બહુ-રાષ્ટ્રીય કવાયતમાં વિવિધ સુરક્ષા દળો, રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર દેશો ભાગ લઈ રહ્યા છે. ક્વાડ દેશો (ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા) ના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એચએડીઆરની કાર્યકારી બેઠક પણ યોજાનાર છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની આપત્તિ પૂર્વતૈયારી અને સહયોગ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.
આ કવાયતનો મુખ્ય હેતુ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા આપત્તિના સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવાની ક્ષમતા વિકસાવવાનો છે. આપત્તિ સમયે સમયસર સહાય અને પરસ્પર સહયોગ માનવજીવન બચાવવામાં નિર્ણાયક સાબિત થાય છે. ભારતીય વાયુસેના પોતાની વ્યૂહાત્મક હવાઈ પરિવહન ક્ષમતા અને આપત્તિ રાહત કામગીરીના બહોળા અનુભવના આધારે આ કટોકટી વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ અભ્યાસ દ્વારા આંતરરાષ્ટ્રીય મિત્રતા, એકતા અને સહિયારી જવાબદારીની ભાવનાને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.
આગામી તા. ૧૯ નવેમ્બરના રોજ યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં સ્ટેટિક પ્રદર્શન, મલ્ટી-એજન્સી કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેશન તેમજ ટારમેક ખાતે બચાવ અને રાહત કામગીરીનું પ્રાયોગિક પ્રદર્શન યોજાશે. જેમાં જગુઆર વિમાન દ્વારા હવાઈ નિરીક્ષણ, એમઆઈ-૧૭ અને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા સૈનિકો અને સાધનોની તૈનાતી, એસડીઆરએફ-એનડીઆરએફની સંયુક્ત કામગીરી તેમજ દરિયાઈ શોધ અને બચાવ કામગીરી જેવા વિવિધ તબક્કાઓનું જીવંત નિદર્શન કરવામાં આવશે. આ વ્યાપક કવાયત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશની સજ્જતા અને કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવશે.
