JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનના એંધાણ વચ્ચે મોટો બળવો થવાની આશંકા, ૩૦૦ અધિકારીઓ સર્વેલન્સ હેઠળ

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનના એંધાણ વચ્ચે મોટો બળવો થવાની આશંકા, ૩૦૦ અધિકારીઓ સર્વેલન્સ હેઠળ
પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સંભવિત વાપસીના અહેવાલો વચ્ચે બાંગ્લાદેશમાં રાજકીય સંઘર્ષ અને આંતરિક બળવાનું જોખમ ઊભું થયું છે. તારિક રહેમાનની સરકારે સુરક્ષાના ભાગરૂપે ૩૦૦ શંકાસ્પદ વરિષ્ઠ અધિકારીઓને દેખરેખ હેઠળ મૂક્યા છે.

બાંગ્લાદેશના રાજકારણમાં આગામી દિવસોમાં મોટો ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ડિસેમ્બર ૨૦૨૬માં અઢી વર્ષનો લાંબો સમયગાળો દિલ્હીમાં વિતાવ્યા બાદ ફરી ઢાકા પરત ફરી શકે છે. આ સંભવિત વાપસીના પગલે દેશમાં આંતરિક સંઘર્ષ અને સત્તા પલટાનું જોખમ અતિશય વધી ગયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તારિક રહેમાનની સરકારે દેશભરની તમામ ગુપ્તચર એજન્સીઓને હાઈ અલર્ટ પર રહેવા માટે સખત સૂચનાઓ આપી દીધી છે.

સરકાર દ્વારા લેવાયેલા આ કડક પગલાં પાછળનું મુખ્ય કારણ શેખ હસીનાના શાસનકાળ દરમિયાન પ્રભાવશાળી રહેલા અધિકારીઓની શંકાસ્પદ ગતિવિધિઓ છે. યુનુસ સરકારના સમયમાં સાઈડલાઈન કરી દેવાયેલા આશરે ૩૦૦ વરિષ્ઠ અધિકારીઓ સેનાની કથિત દખલગીરી બાદ ફરીથી સક્રિય થતા સરકારની ચિંતા વધી છે. તંત્રને આશંકા છે કે આ અધિકારીઓ હસીનાના સમર્થકો સાથે ગુપ્ત રીતે હાથ મિલાવીને કોઈ મોટું રાજકીય કાવતરું રચી શકે છે, જેને કારણે પોલીસ તંત્ર પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

બીજી બાજુ, આવામી લીગ દ્વારા શેખ હસીનાના સ્વાગત માટે લાખો કાર્યકરોને રસ્તા પર ઉતારીને શક્તિ પ્રદર્શન કરવાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. આ સ્થિતિમાં કાપડ ઉદ્યોગના મજૂરો પણ પોતાના પગાર વધારાની માંગણીઓને લઈને આંદોલનના માર્ગે છે, અને જો આ મજૂરો આવામી લીગના સમર્થકો સાથે જોડાઈ જાય તો વિરોધ પ્રદર્શનો વધુ હિંસક અને ઉગ્ર બની શકે છે. એક તરફ તારિક રહેમાન સરકાર હસીનાની ધરપકડ કરવા માટે મક્કમ છે, તો બીજી તરફ પાર્ટીના કાર્યકરો સરહદ મારફતે તેમને સુરક્ષિત રીતે બાંગ્લાદેશમાં પ્રવેશ કરાવવા માટે રણનીતિ ઘડી રહ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં ભારે તણાવનો માહોલ છે.

LATEST ARTICLES