ખંભાળીયા શહેરમાં આવેલા જૂના કેનેડી બ્રિજની સ્થિતિ અત્યંત જર્જરિત થઈ જવાના કારણે અને તે ચાલવા માટે પણ સુરક્ષિત ન રહેતા ખાનગી કંપનીના અભિપ્રાય બાદ આ રસ્તો સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો હતો. અગાઉ આ પુલને તોડીને નવો પુલ બનાવવા માટે રૂા. ૨૯ કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. જો કે, સ્થાનિક સિનિયર સિટીઝનો અને આગેવાનો દ્વારા લોખંડ તથા સિમેન્ટ વગર બનેલા આ પ્રાચીન કમાનવાળા એન્જિનિયરિંગ કૌશલ્યસમા પુલને જીવંત રાખવાની વિશેષ રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખીને ધારાસભ્ય મૂળુભાઈ બેરાના પ્રયાસોથી ખાસ કિસ્સામાં જૂના પુલને યથાવત રાખી તેની બાજુમાં જ નવો અત્ધુનિક પુલ બનાવવાની યોજના મંજૂર કરવામાં આવી છે.
આ નવા નિર્માણ પામનારા પુલની વિશેષતાઓની વાત કરીએ તો, તે અંદાજે રૂા. ૩૧.૩૦ કરોડના ખર્ચે તૈયાર થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૨૧.૪ મીટરની લંબાઈના છ ગાળાવાળો આધુનિક ફોર લેન બ્રિજ બનાવવામાં આવશે. જેમાં વાહનચાલકોની સુવિધા માટે સ્પેશિયલ સર્વિસ રોડ અને પ્રોટેક્ટિવ વોલ સહિતની તમામ આધુનિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે. અગાઉ આ પુલ સિંગલ રોડ હોવાને કારણે ત્યાંથી બે ટ્રક પણ સાથે પસાર થઈ શકતા ન હતા, પરંતુ હવે ફોર લેન બ્રિજ બનવાથી વાહનવ્યવહાર અત્યંત સરળ અને સુરક્ષિત બનશે.
આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટના શુભારંભ અર્થે આજે સ્થાનિક અગ્રણીઓ, પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (પી.ડબલ્યુ.ડી.) ના અધિકારીઓ તેમજ નગરપાલિકાના સદસ્યોની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ નવા કેનેડી બ્રિજના નિર્માણથી ખંભાળીયાથી ભાણવડ અને કલ્યાણપુર તરફ જતા નાગરિકો તેમજ વેપારીઓને ભારે ટ્રાફિક સમસ્યામાંથી કાયમ માટે મુક્તિ મળશે. આ માળખાકીય સુવિધાથી પ્રદેશના વિકાસને વેગ મળશે અને મુસાફરોની અવરજવર વધુ સુગમ બનશે તેમ સ્થાનિક લોકોમાં ભારે હર્ષની લાગણી છવાઈ છે.
