ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને પૂરા થયેલા ૧૧ વર્ષ વીતી ગયાં છે, છતાં તેના પડઘા હજુ પણ રાજકીય અને સામાજિક મંચો પર સંભળાઈ રહ્યા છે. તાજેતરમાં જસદણ ખાતે યોજાયેલા પાટીદાર સખી સ્નેહમિલન સમારોહમાં પાસના અગ્રણી દિનેશ બાંભણિયાએ એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે આંદોલનના કારણે એક સારા મુખ્યમંત્રી રહી ચૂકેલા આનંદીબેન પટેલને સત્તા છોડવી પડી હોવાનો અફસોસ વ્યક્ત કરીને તેમની માફી માંગવાની ઈચ્છા જાહેર કરી હતી. આ જાહેરમંચ પરના નિવેદનને કારણે પાટીદાર સમાજમાં ફરી એકવાર ભૂતકાળના સંસ્મરણો તાજા થયા છે અને ચર્ચાનો નવો દોર શરૂ થયો છે.
દિનેશ બાંભણિયાના આ નિવેદન સામે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અન્ય આગેવાનોએ તીખી પ્રતિક્રિયા આપી છે. પાસના નેતા ચિરાગ પટેલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આંદોલનને આટલા વર્ષો વીતી ગયા બાદ હવે માત્ર અફસોસ વ્યક્ત કરવાને બદલે તે સમયની ઘટનાઓની જવાબદારી નક્કી થવી જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આંદોલન દરમિયાન ૧૪ પાટીદાર યુવાનો પર ગોળીબારનો આદેશ કયા 'જનરલ ડાયર' જેવા શાસકે આપ્યો હતો તે શોધવું અનિવાર્ય છે. વળી, અનાર પટેલ અને દિનેશ બાંભણિયા એક જ સંસ્થા સાથે જોડાયેલા હોવાથી આ મુદ્દે વ્યક્તિગત ચર્ચા થઈ શકતી હતી, તેને જાહેરમંચ પર લાવવાની કોઈ જરૂર નહોતી તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
બીજી બાજુ, એસપીજી (સરદાર પટેલ ગ્રુપ)ના પ્રમુખ લાલજી પટેલે પણ આ નિવેદનને લઈને આંદોલનના નેતૃત્વ અને વર્તમાન વલણ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમણે આનંદીબેન પટેલની પ્રશાસનિક મજબૂતાઈ અને વહીવટ પરની પકડના વખાણ કર્યા હતા, પરંતુ સાથે જ સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી કે જો આવી જ સ્થિતિ રહી તો માત્ર ભાજપ નહીં પરંતુ પાટીદાર નેતાઓ જ પતી જશે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પૂર્વીન પટેલ સહિતના અન્ય યુવા આગેવાનોએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે, જેના કારણે પાટીદાર સમાજમાં આંદોલનનો ઈતિહાસ, નેતૃત્વની ભૂમિકા અને વર્તમાન રાજકારણને લઈને મંતવ્યોમાં ભારે મતભેદ અને ઉગ્ર ચર્ચાઓ જોવા મળી રહી છે.
