લગભગ બે દાયકા સુધી ક્રિકેટ જગતમાં રાજ કર્યા બાદ, ૪૫ વર્ષીય એમ.એસ. ધોનીએ આઈપીએલની પોતાની સફરને એક નવો આયામ આપ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસે આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે એમ.એસ. ધોની માત્ર મેદાન પરના પ્રદર્શન પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેઓ ફ્રેન્ચાઈઝીની ઓળખનો એક અભિન્ન હિસ્સો છે. ધોનીના માર્ગદર્શન હેઠળ સીએસકેએ પાંચ આઈપીએલ ટાઇટલ અને બે ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતી છે. ફ્રેન્ચાઈઝીના મેનેજિંગ ડિરેક્ટર કે. એસ. વિશ્વનાથને પણ ચેન્નાઈ સાથેના ધોનીના અતૂટ સંબંધોને યાદ કરતા કહ્યું કે ચેન્નાઈના લોકોએ તેમને પોતાના પરિવારના સભ્યની જેમ સ્વીકાર્યા છે અને પીળી જર્સીમાં મેદાન પર તેમની ગેરહાજરી ભલે ફેન્સને સાલશે, પરંતુ ટીમ સાથેનો તેમનો નાતો હંમેશાં અકબંધ રહેશે.
ધોનીનો આઈપીએલ ઇતિહાસ રેકોર્ડ્સ અને યાદગાર ક્ષણોથી ભરેલો છે. તેમણે સીએસકે માટે ૨૭૨ મેચો રમીને ૫,૩૧૪ રન બનાવ્યા છે અને તેઓ ફ્રેન્ચાઈઝીના બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. મેચને ફિનિશ કરવાની તેમની અદભુત ક્ષમતા, પ્રખ્યાત હેલિકોપ્ટર શૉટ્સ અને સ્ટમ્પિંગની વીજળી જેવી ઝડપે તેમને ક્રિકેટ પ્રેમીઓમાં અમર બનાવી દીધા છે. દબાણની પરિસ્થિતિઓમાં પણ તેમનો શાંત સ્વભાવ અને અદ્ભુત ટેક્ટિકલ નિર્ણયોએ તેમને ટૂર્નામેન્ટના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓ પૈકીના એક બનાવ્યા છે. હવે જ્યારે તેઓ મેન્ટરની ભૂમિકામાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સીએસકે યુવા ખેલાડીઓની નવી પેઢી તૈયાર કરવા માટે તેમના વર્ષોના અનુભવનો ભરપૂર લાભ મેળવી શકશે.
મેદાન પર રમતા ન હોવા છતાં એમ.એસ. ધોનીની લોકપ્રિયતામાં જરાય ઘટાડો થયો નથી. સ્ટાર સ્પોર્ટ્સના ડેટા અનુસાર, આઈપીએલ દરમિયાન એક પણ મેચ ન રમવા છતાં ધોની કુલ પ્લેયર કન્વર્સેશનમાં ૨૧ ટકા હિસ્સો ધરાવતા હતા, જે વિરાટ કોહલી પછી બીજા ક્રમે આવે છે. આ ઉપરાંત, ચેન્નાઈ સુપર કિંગ્સની બ્રોડકાસ્ટર વ્યૂઅરશીપ પણ રેકોર્ડબ્રેક રહી છે, જ્યાં ટીમની પ્રત્યેક મેચ દરમિયાન સરેરાશ ૩૦૮ મિલિયન દર્શકોએ મેચનો આનંદ માળ્યો હતો. આ આંકડા સાબિત કરે છે કે ધોનીનું ફેન ફોલોઈંગ માત્ર મેદાન પરના પ્રદર્શન પૂરતું સીમિત નથી, પરંતુ તે એક એવી વિરાટ અસર છે જે આગામી સમયમાં સીએસકેને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે સક્ષમ છે.
