ગુજરાતમાં પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે હથિયારો ઘુસાડવામાં આવી રહ્યા હોવાના મોટા રેકેટનો पर्દાફાશ કરતા ખેડા જિલ્લાની સેવાલિયા પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસની સતર્કતાને કારણે ઇન્દોરથી અમદાવાદ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસમાંથી શંકાસ્પદ હાલતમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગાર તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, સેવાલિયા ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન બાતમી અને શંકાના આધારે એક લક્ઝરી બસને રોકવામાં આવી હતી. બસમાં સવાર ઉત્તર પ્રદેશના વતની રાજા અનવર અંસારી નામના શખ્સની શંકાસ્પદ હિલચાલ જોઈને પોલીસે તેના સામાનની ઝીણવટભરી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન તેની પાસેથી બે દેશી બનાવટની પિસ્ટલ અને બાર જીવતા કારતુસ મળી આવ્યા હતા, જેથી પોલીસે તાત્કાલિક ધોરણે હથિયારો અને અન્ય સામગ્રી સહિત કુલ ₹૫૪,૩૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે આ ગેરકાયદેસર હથિયારો મધ્યપ્રદેશના જાવલીથી લઈને આવ્યો હતો અને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. આ હથિયારો અમદાવાદમાં કોને પહોંચાડવાના હતા અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કયા કયા લોકો સંડોવાયેલા છે તે જાણવા માટે પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને સઘન તપાસ શરૂ કરી છે.
