ભારતના બેંગલુરુ સ્થિત 'સ્કેલીન એનર્જી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ'ના ડાયરેક્ટર અને ચીફ સાયન્ટિફિક ઓફિસર રાજા વિજય કુમારે એક ક્રાંતિકારી પ્રયોગ માટે સત્તાવાર પેટન્ટ મેળવી લીધી છે. 'ગ્રેવિટોરાડિયોફિઝિકલ ન્યુક્લિયર ટ્રાન્સમ્યુટેશન' (જીએનટી) નામના આ પ્રયોગ દ્વારા પારા જેવા સામાન્ય તત્વને સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં ફેરવી શકાવાનો દાવો કરાયો છે. વર્ષ ૨૦૧૭માં અરજી કર્યા બાદ આ પ્રયોગને તાજેતરમાં ભારતીય પેટન્ટ માન્યતા પ્રાપ્ત થઈ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કોઈપણ તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા તેનું અસ્તિત્વ નક્કી કરે છે, અને સોનું બનાવવા માટે પારાના પરમાણુમાં ફેરફાર કરવો પડે છે, જે પરંપરાગત રાસાયણિક પ્રક્રિયાથી અશક્ય છે.
આ અનોખી તકનીકમાં પરંપરાગત પરમાણુ રિએક્ટર કે રેડિયોએક્ટિવ પ્રક્રિયાના બદલે ખાસ પ્રકારની ફ્રીક્વન્સી અને 'બૂમ ટ્યુબ' નામના નળીઆકાર રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા બે તબક્કામાં પાર પડે છે, જેમાં પ્રથમ તબક્કે મિશ્રણમાંથી ચોક્કસ તત્વને અલગ કરવા માટે ડિસોસિએટિંગ ફ્રીક્વન્સી આપવામાં આવે છે, જ્યારે બીજા તબક્કામાં પરમાણુ કેન્દ્રમાં પરિવર્તન લાવવા માટે ટ્રાન્સમ્યુટેશન ફ્રીક્વન્સીનો ઉપયોગ થાય છે. પ્રયોગ દરમિયાન શૂન્યાવકાશ અને વજનહિનતા જેવી પરિસ્થિતિઓ સર્જીને તાપમાન અને દબાણનું નિયંત્રણ કરવામાં આવે છે, જેથી તત્વોના પરમાણુ બંધનો તોડી શકાય.
પ્રયોગના પરીક્ષણ માટે મરક્યુરિક સલ્ફેટ અને નિસ્યંદિત પાણીના મિશ્રણને જીએનટી રિએક્ટર દ્વારા પ્રક્રિયા કરવામાં આવી હતી, જેના લેબોરેટરી વિશ્લેષણમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. તપાસ દરમિયાન પ્રોસેસ્ડ સેમ્પલમાંથી ૧.૯૧ મિલિગ્રામથી લઈને ૨.૩ મિલિગ્રામ પ્રતિ લીટર સુધીનું સોનું તેમજ ૧૧ મિલિગ્રામ પ્રતિ લીટર ચાંદી મળી આવી હોવાનું નોંધાયું છે, સાથે જ પારાનું પ્રમાણ પણ ઘણું ઓછું થઈ ગયું હતું. જોકે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ તત્વની હાજરી સાબિત કરે છે કે તે ન્યુક્લિયર ટ્રાન્સમ્યુટેશનથી જ બન્યા છે તે માટે હજુ સ્વતંત્ર અને વ્યાપક સ્તરે વધુ વૈજ્ઞાનિક પ્રયોગો અને ચકાસણીની આવશ્યકતા છે.
