JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
હવામાન

બંગાળની ખાડીમાં સર્જાયું અકવાન વાવાઝોડું, આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ૧૩૦ કિમીની ગતિએ ત્રાટકવાની સંભાવના

બંગાળની ખાડીમાં સર્જાયું અકવાન વાવાઝોડું, આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ૧૩૦ કિમીની ગતિએ ત્રાટકવાની સંભાવના
બંગાળની ખાડીમાં સર્જાયેલા 'અકવાન' વાવાઝોડાને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આગામી ૨૦ નવેમ્બરે આ વાવાઝોડું આંધ્રપ્રદેશના તટ પર ૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કરશે.

બંગાળની ખાડીમાં સતત સર્જાતી અસાધારણ ચક્રવાતી ગતિવિધિઓએ દેશભરના હવામાન વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. સામાન્ય રીતે એકસાથે આટલા ચક્રવાતોનું નિર્માણ થવું દુર્લભ છે, અને તેમાંથી પણ ત્રણેય વાવાઝોડાનો રૂટ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ હોવો એ હવામાનશાસ્ત્રમાં એક મોટો અભ્યાસનો વિષય બન્યો છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મોહાપાત્રાના જણાવ્યા અનુસાર, આ અસામાન્ય સ્થિતિ પાછળ 'અલ-નીનો' અને 'હિંદ મહાસાગર ડાઈપોલ' (IOD) જેવી વૈશ્વિક પ્રણાલીઓ મુખ્ય કારણ છે. અગાઉ ૧૯૮૭માં પણ અલ-નીનોની સક્રિયતા દરમિયાન આવી જ દુર્લભ મોસમી પેટર્ન જોવા મળી હતી, જેના કારણે દક્ષિણી હિસ્સામાં ચક્રવાત માટે અનુકૂળ માહોલ સર્જાય છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ત્રીજું ગંભીર ચક્રવાત 'અકવાન' આગામી ૨૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે નેલ્લોર અને તુની વચ્ચે આંધ્રપ્રદેશના તટ સાથે અથડાઈ શકે છે. લેન્ડફોલ વખતે પવનની ભયાનક ગતિ ૧૨૦ થી ૧૩૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની અને પવનના સુસવાટા ૧૪૫ કિમી પ્રતિ કલાક સુધી જવાની સંભાવના છે. આ ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ૧૯ અને ૨૦ નવેમ્બરે આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં ૨૦ થી ૩૦ સેમી સુધીનો મૂશળધાર વરસાદ ખાબકી શકે છે, જ્યારે દરિયામાં ૧ થી ૨ મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા છે જેને લઈને વહીવટી તંત્ર સાબદું થઈ ગયું છે.

આ ખતરનાક વાવાઝોડાની અસર માત્ર આંધ્રપ્રદેશ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેની સીધી વ્યાપક અસરો પડોશી રાજ્યો પર પણ જોવા મળશે. દક્ષિણ ઓડિશા, પૂર્વી તેલંગાણા અને દક્ષિણ છત્તીસગઢના વિસ્તારોમાં પણ ભારે વરસાદ સાથે ૫૦ થી ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની શક્યતા છે. જોકે, રાહતની વાત એ છે કે ઉત્તર ભારતના હવામાન પર આ ચક્રવાતની કોઈ જ સીધી અસર નહીં થાય, પરંતુ દક્ષિણ અને મધ્ય ભારતના તટીય તથા આંતરિક વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી હાઈ એલર્ટ જાળવી રાખવામાં આવ્યું છે.

LATEST ARTICLES