બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી લોડ પ્રેશરની સિસ્ટમ હવે વધુ તાકાતવર બની રહી છે અને તે ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અહેવાલ મુજબ, આગામી ૧૯ નવેમ્બરની સવાર સુધીમાં આ સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ જશે. આ વાવાઝોડાને ‘અકવાન’ નામ આપવામાં આવ્યું છે, જે ઈરાન દ્વારા સૂચવવામાં આવ્યું છે. પૌરાણિક ફારસી મહાકાવ્ય ‘શાહનામા’માં વર્ણિત ‘અકવાન’ નામના રાક્ષસી પાત્ર પરથી આ વાવાઝોડાનું નામકરણ કરવામાં આવ્યું છે, જે તેના ખતરનાક સ્વરૂપ તરફ ઈશારો કરે છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ વાવાઝોડું આગામી ૨૦ નવેમ્બરે બપોરે આંધ્રપ્રદેશના નેલ્લોર અને તૂની વચ્ચેના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી પ્રબળ સંભાવના છે. લેન્ડફોલ વખતે પવનની ઝડપ ૧૨૦ થી ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જે વધીને ૧૪૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. આ ભારે પવનો અને વિનાશક મોજાઓને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વ્યાપક નુકસાન થવાની પૂરી આશંકા છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ ચક્રવાતના પ્રભાવ હેઠળ દેશના અનેક રાજ્યોમાં હવામાનનો મિજાજ બગડવાની સંભાવના છે. આગામી ૧૬ થી ૨૨ નવેમ્બર દરમિયાન કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં મૂશળધાર વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, યનમ, તેલંગાણા તેમજ પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડવાની આગાહી કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વિશેષ અપડેટ્સ જારી કરવામાં આવી રહ્યા છે.
