મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલા ગંભીર ઊર્જા સંકટને પહોંચી વળવા માટે જાપાને એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી પગલું ભર્યું છે. જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઇચીએ ફિલિપાઇન્સની રાજધાની મનીલા ખાતે યોજાયેલા એશિયન શિખર સંમેલનમાં ૪૮ દેશો સમક્ષ 'એશિયન એનર્જી એજન્સી'ની રચના કરવાનો મોટો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ એશિયાઈ દેશોને ભવિષ્યની કોઈપણ આર્થિક કે ભૌગોલિક રાજકીય કટોકટીમાં ક્રૂડ ઓઇલની અછત અને બેફામ મોંઘવારીથી સુરક્ષિત રાખવાનો છે.
વર્ષ ૧૯૭૪માં તેલ સંકટના સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી 'ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી' (IEA) ની તર્જ પર જ જાપાન આ એશિયન સંસ્કરણ અને ખાસ 'તેલ સુરક્ષા ટાસ્ક ફોર્સ' ઊભી કરવા સક્રિય બન્યું છે. આ વ્યુહરચના અંતર્ગત જાપાન ઇન્ડોનેશિયા સ્થિત આર્થિક સંશોધન સંસ્થા (ERIA) સાથે મળીને આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ સંભાળશે. આ વ્યવસ્થાનો મૂળ ઉદ્દેશ્ય યુદ્ધ કે કટોકટીના વિકટ સમયમાં સભ્ય દેશોના રાષ્ટ્રીય તેલ ભંડારમાંથી ઇંધણ જારી કરવા અને જરૂરિયાતમંદ દેશો સાથે પરસ્પર તેલ શેર કરવા માટેના મજબૂત અને પારદર્શક નિયમો તૈયાર કરવાનો છે.
તાજેતરના ઈરાન યુદ્ધ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ જવાથી વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧૨૬ ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા, જેની સીધી અસર ભારત જેવા દેશો પર પડી હતી જે પોતાની જરૂરિયાતનું ૯૦ ટકા ક્રૂડ આયાત કરે છે. જો એશિયાઈ દેશો વચ્ચે આ પ્રકારનું મજબૂત સુરક્ષા કવચ અને સહયોગી વ્યવ્સ્થા અમલમાં આવે, તો ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગમે તેવી કટોકટી સર્જાય તો પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ તેમજ સામાન્ય જનતા પર પડતો મોંઘવારીનો બોજ સફળતાપૂર્વક નિયંત્રણમાં રાખી શકાશે.
