JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ઈરાનમાં ગંભીર આર્થિક સંકટ: દેવા અને મોંઘવારીથી કંટાળીને કિડની અને બોન મેરો વેચવા મજબૂર બન્યા લોકો

ઈરાનમાં ગંભીર આર્થિક સંકટ: દેવા અને મોંઘવારીથી કંટાળીને કિડની અને બોન મેરો વેચવા મજબૂર બન્યા લોકો
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને અમેરિકી પ્રતિબંધોના કારણે ઈરાનમાં આર્થિક સ્થિતિ અત્યંત કથળી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે સામાન્ય નાગરિકો પરિવારના ગુજરાન અને દેવું ચૂકવવા માટે પોતાના શરીરના અંગો ઓનલાઇન વેચવા માટે મૂકી રહ્યા છે.

એક તાજેતરના અહેવાલ મુજબ, ઈરાનમાં ઊંડાણપૂર્વક ધસી રહેલા આર્થિક સંકટને કારણે લોકો અત્યંત લાચાર બન્યા છે. પરિસ્થિતિ એવી છે કે ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શરીરના અંગો અને પેશીઓના વેચાણ માટેની જાહેરાતોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. એક તપાસમાં સામે આવ્યું છે કે મે થી ઓક્ટોબર દરમિયાન માત્ર એક જ ટેલિગ્રામ ચેનલ પર ૬૦૦થી વધુ જાહેરાતો મૂકવામાં આવી હતી, જેમાં કિડની, બોન મેરો, લીવર, આંખની કીકી અને અન્ય પેશીઓ વેચવા માટે ઓફર કરવામાં આવી રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આમાંથી લગભગ એક તૃતીયાંશ જાહેરાતોમાં લોકો એક કરતાં વધુ અંગો વેચવાની તૈયારી બતાવી રહ્યા છે, જે તેમની આર્થિક બેહાલીની ગંભીર તસવીર રજૂ કરે છે.

આ દર્દનાક સ્થિતિ પાછળનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધો, નેવલ બ્લોકેડ અને મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલો સંઘર્ષ છે. અહેવાલો અનુસાર, અમેરિકી દબાણ હજુ લાંબા સમય સુધી યથાવત રહેવાની સંભાવના છે, જેના કારણે આગામી મહિનાઓમાં ઈરાનની અર્થવ્યવસ્થા વધુ કથળી શકે છે. કપડાંનો વ્યવસાય ખોટમાં જવાથી દેવાના ડુંગર નીચે દબાયેલા પૂર્વ વેપારીઓ, બે બાળકોની સંભાળ રાખતી એકલાં માતાઓ અને વૃદ્ધ માતા-પિતા પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવા તથા રોજીરોટી કમાવવા માટે પોતાના જ શરીરના અંગો વેચવાના રસ્તે જવા મજબૂર બન્યા છે. આ લોકોમાંથી કેટલાક તો તબીબી જ્ઞાનના અભાવે એવા અંગો પણ વેચવા તૈયાર છે જે કાયદેસર રીતે પ્રત્યાપિત કરી શકાતા નથી, છતાં ગરીબીના કારણે તેઓ આ જોખમ ઉઠાવવા તૈયાર છે.

ઈરાન સરકાર અને અર્થશાસ્ત્રીઓ પણ આર્થિક મોરચે આવી રહેલા આ મોટા પડકારને લઈને ચિંતિત છે. જો તેહરાનની તેલની આવક શૂન્યની નજીક પહોંચી જશે, તો સરકારને સરકારી કર્મચારીઓના પગાર, પેન્શન ચૂકવવા અને આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનનું પ્રશાસન લાંબા સમય સુધી ચાલનારા આ પ્રતિબંધોનો સામનો કરવા તૈયારીઓ કરી રહ્યું છે, પરંતુ બીજી બાજુ લશ્કરી તણાવ અને તેલ ટેન્કરો પરના હુમલાઓ સ્થિતિને વધુ વણસાવી રહ્યા છે. સરકાર ભલે આર્થિક પતન જેવી સ્થિતિ ન સર્જાવાના દાવા કરતી હોય, પરંતુ ગ્રાઉન્ડ રિયલિયાટી એ છે કે સામાન્ય જનતા અનાજ અને મૂળભૂત જરૂરિયાતો માટે પોતાના શરીરના અંગો કાપવા માટે પણ લાચાર બની ગઈ છે.

LATEST ARTICLES