ઇઝરાયેલના રાજકારણમાં હાલ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, જ્યાં કાર્યવાહક વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દેશની સુરક્ષા અને ઈરાની ખતરાને પહોંચી વળવા માટે નેશનલ યુનિટી ગવર્મેન્ટ (રાષ્ટ્રીય એકતાની સરકાર) રચવા પર ભાર મૂક્યો છે. એક વીડિયો નિવેદનમાં નેતન્યાહુએ જણાવ્યું હતું કે, વર્તમાન સુરક્ષા પડકારો અને ખાસ કરીને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપતા ઈરાન સામે કાયમી ઉકેલ લાવવા માટે તમામ પક્ષોએ મતભેદો ભૂલીને એક થવું જરૂરી છે. તેમણે આઈઝેનકોતના અલ્પસંખ્યક સરકાર બનાવવાની યોજનાની ટીકા કરતા ચેતવણી આપી હતી કે આવી નબળી સરકાર દેશ માટે જોખમી સાબિત થઈ શકે છે અને તેના બદલે કોઈપણ શરત વગર સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું હતું.
બીજી બાજુ, ગાડી આઈઝેનકોટે નેતન્યાહુની આ અપીલને સદંતર ફગાવી દીધી છે અને તેને માત્ર એક રાજકીય પ્રપંચ ગણાવ્યો છે. ગત રવિવારે નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા બાદ સરકાર રચવાની વાટાઘાટો ચલાવી રહેલા આઈઝેનકોટે વળતો પ્રહાર કરતા કહ્યું કે નેતન્યાહુ ચૂંટણી હારી ચૂક્યા છે તે સારી રીતે જાણે છે અને એકતાની વાતો કરીને માત્ર તણાવ પેદા કરી રહ્યા છે. ભૂતપૂર્વ લશ્કરી વમુખ રહી ચૂકેલા આઈઝેનકોટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નેતન્યાહુની આ ચાલાકીઓ અને યુક્તિઓ હવે તેમના પર કામ કરવાની નથી, કારણ કે તેઓ પોતે જ સરકાર રચવા માટેની પ્રક્રિયાના મધ્યમાં છે.
આ વર્તમાન રાજકીય સંઘર્ષમાં સરકાર રચવાની પ્રક્રિયા અત્યંત જટિલ બની રહી છે કારણ કે નેતન્યાહુ અરબ-ઇઝરાયેલી પક્ષોને બાકાત રાખીને માત્ર યહૂદી પક્ષોની યુનિટી ગવર્મેન્ટ ઈચ્છે છે, જ્યારે આઈઝેનકોટે આચરણીય અને ગંભીર વલણ ધરાવતા નેતાઓ સાથે જોડાણની તૈયારી બતાવી છે. આઈઝેનકોટે અતિ-જમણેરી નેતાઓના સમર્થકોથી અંતર જાળવવાની અને લોકશાહી પ્રક્રિયાને અનુસરવાની શરત મૂકી છે. નેસેટ (સંસદ)ના સ્પીકરની ચૂંટણી અને વિવિધ પક્ષો વચ્ચેના આંતરિક મતભેદોને કારણે આગામી દિવસોમાં ઇઝરાયેલનું રાજકારણ કઈ દિશામાં વળે છે તે જોવું રસપ્રદ રહેશે.
