JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ચાર દીકરા હોવા છતાં નોંધારી બનેલી ૮૦ વર્ષીય વૃદ્ધા માટે દેવદૂત બની 'અભયમ' ટીમ

ચાર દીકરા હોવા છતાં નોંધારી બનેલી ૮૦ વર્ષીય વૃદ્ધા માટે દેવદૂત બની 'અભયમ' ટીમ
વડોદરામાં ચાર પુત્રો હોવા છતાં પથારીવશ 80 વર્ષીય માતાની જવાબદારી કોઈ ઉપાડતું નહોતું, ત્યારે એકમાત્ર પુત્રવધૂની દરખાસ્ત અને '181 અભયમ' ટીમની દરમિયાનગીરીથી સમગ્ર પરિવાર એક તાંતણે બંધાયો છે.

વડોદરા શહેરમાંથી એક તરફ પરિવાર અને સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, તો બીજી બાજુ એક પુત્રવધૂની અવિરત સેવા અને માનવતા પણ ઉજાગર થઈ છે. શહેરના એક વિસ્તારમાં રહેતી 80 વર્ષીય વૃદ્ધા છેલ્લા ચાર વર્ષથી સંપૂર્ણપણે પથારીવશ છે અને પોતાની દૈનિક ક્રિયાઓ માટે પણ અન્ય પર નિર્ભર છે. આ વૃદ્ધ માતાને ચાર દીકરાઓ છે, છતાં કડવી વાસ્તવિકતા એ હતી કે કોઈ પણ સંતાન તેમની જવાબદારી લેવા તૈયાર નહોતું. આવી વિકટ પરિસ્થિતિમાં માત્ર એકમાત્ર પુત્રવધૂ અને તેનો પતિ છેલ્લા ચાર વર્ષથી આર્થિક તંગી હોવા છતાં મજૂરી કરીને માંડ ગુજરાન ચલાવતા અને સાસુની એકલા હાથે સેવા કરતા હતા. જોકે, હદ વટાઈ જતાં અને પતિ દ્વારા મારપીટનો સામનો કરવો પડતાં આ બહાદુર પુત્રવધૂએ કંટાળીને 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સહારો લીધો હતો.

અભયમ કંટ્રોલ રૂમમાં આવેલી આ સંવેદનશીલ કોલની ગંભીરતાને પારખીને રેસ્ક્યુ અને કાઉન્સેલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પુત્રવધૂએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું કે, તેના ત્રણ દિયરો સાસુની સંભાળ રાખવાની સ્પષ્ટ ના પાડી દે છે અને તેનો પતિ પણ આ બાબતે તેને જ હેરાન કરે છે. સ્થિતિની ગંભીરતા સમજીને અભયમની મહિલા કાઉન્સેલરે હાજર રહેલા તેમજ ફોન દ્વારા સંપર્ક કરાયેલા તમામ ચારેય પુત્રોને એકત્રિત કર્યા હતા. ત્યારબાદ ટીમે દીકરાઓને માત્ર ભારતીય સંસ્કૃતિના સંસ્કારો જ નહીં, પરંતુ કાયદાકીય પાઠ પણ ભણાવ્યા હતા. વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ હેઠળ માતા-પિતાની સંભાળ ન રાખવી એ કાયદાકીય ગુનો છે અને તેના માટે જેલની સજા તથા દંડ થઈ શકે છે તેવી કડક ચેતવણી આપવામાં આવી હતી.

અભયમ ટીમની આ પ્રભાવશાળી અને મક્કમ સમજાવટ રંગ લાવી હતી અને ચારેય દીકરાઓને પોતાની જવાબદારીમાંથી ભાગી છૂટવાની ભૂલનો અહેસાસ થયો હતો. તમામ ભાઈઓએ પોતાના પસ્તાવા સાથે એવો નિર્ધાર કર્યો હતો કે હવેથી વૃદ્ધ માતાને વારાફરતી દરેકના ઘરે રાખવામાં આવશે અને તેમના સ્વાસ્થ્ય તથા સારસંભાળનો તમામ ખર્ચ ચારેય ભાઈઓ સંયુક્ત રીતે ઉપાડશે. કોઈ પણ સંતાન હવે પોતાની ફરજથી પાછું નહીં હટે તેવું નક્કી કરાયું હતું. આમ, અભયમ હેલ્પલાઈનની સમયસૂચકતા અને સચોટ કાઉન્સેલિંગના કારણે માત્ર એક પરિવાર તૂટતો બચ્યો એટલું જ નહીં, પરંતુ પથારીવશ વૃદ્ધ માતાને પણ તેમના ચારેય દીકરાઓનો પ્રેમ અને આશરો મળવાનો માર્ગ મોકળો બન્યો.

LATEST ARTICLES