JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

અંડર-19 એશિયા કપના હીરો મોહિત ઉલવાને મોટી ભેટ, સૌરાષ્ટ્રની સિનિયર ક્રિકેટ ટીમમાં મળી એન્ટ્રી

અંડર-19 એશિયા કપના હીરો મોહિત ઉલવાને મોટી ભેટ, સૌરાષ્ટ્રની સિનિયર ક્રિકેટ ટીમમાં મળી એન્ટ્રી
ઓમાનમાં રમાયેલા અંડર-19 એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે છેલ્લે વિજયી ચોગ્ગો ફટકારનાર ગુજરાતના યુવા બેટ્સમેન મોહિત ઉલવાની શાનદાર સફળતા બાદ હવે સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

અંડર-19 એશિયા કપની અત્યંત રોમાંચક ફાઈનલ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતને યાદગાર વિજય અપાવનાર 18 વર્ષીય યુવા ક્રિકેટર મોહિત ઉલવાને તેની કઠોર મહેનત અને ઉત્કૃષ્ટ પ્રદર્શનનું મોટું ઈનામ મળ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) દ્વારા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માટે જાહેર કરવામાં આવેલી સૌરાષ્ટ્રની સિનિયર ક્રિકેટ ટીમમાં મોહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે આ વાતની પુષ્ટિ કરતા મોહિતને તાત્કાલિક ધોરણે ઈન્દોર પહોંચીને ટીમ સાથે જોડાઈ જવા માટે સૂચના આપી દીધી છે, જ્યાં હાલ સૌરાષ્ટ્રની ટીમ પોતાની મેચો રમી રહી છે.

સુરેન્દ્રનગરના એક સાધારણ પરિવારમાંથી આવતા મોહિત ઉલવાએ રાજકોટમાં રહીને ક્રિકેટની કઠિન તાલીમ મેળવી છે અને આજે પોતાની કાબેલિયતના બળે આ મુકામ હાંસલ કર્યો છે. SCA પ્રમુખ જયદેવ શાહે મોહિતના સંઘર્ષ અને મેદાન પરના અદ્ભુત જુસ્સાની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન હંમેશાં પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને આગળ લાવવા માટે પ્રોત્સાહન પૂરતું પાડે છે અને મોહિત આગામી સમયમાં સિનિયર ટીમ માટે પણ અત્યંત ઉપયોગી અને મેચ વિનર ખેલાડી સાબિત થશે.

ગત શનિવારે ઓમાનના મસ્કત ખાતે રમાયેલા અંડર-19 એશિયા કપના મુકાબલામાં પાકિસ્તાની સમર્થકોની ભારે ભીડ અને ભારે દબાણ વચ્ચે મોહિતે અસાધારણ ધીરજ અને પરિપક્વતાનું પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાની મદદથી શાનદાર 49 રન બનાવ્યા હતા અને મેચના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને 1 વિકેટથી ઐતિહાસિક જીત અપાવી હતી. તેની આ કમાલની બેટિંગના કારણે જ ભારત ચેમ્પિયન બન્યું હતું, અને હવે આ જ આત્મવિશ્વાસ સાથે તે સિનિયર ક્રિકેટના નવા અને મોટા મંચ પર પોતાની પ્રતિભાનો જલવો બતાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

LATEST ARTICLES