ભાવનગર જિલ્લાના જાણીતા પ્રવાસન અને ધાર્મિક સ્થળ એવા મહુવા નજીકના ઊંચા કોટડા દરિયાકિનારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલ પ્રસિદ્ધ ચામુંડા માતાજીના દર્શને દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ ધાર્મિક સ્થળે આવતા ભક્તોની ભીડ સામે તંત્ર દ્વારા પૂરતી સગવડો પૂરી પાડવામાં આવી ન હોવાનું આ ઘટના પરથી ફલિત થાય છે. અહીં યોગ્ય પાર્કિંગ ઝોન કે વ્યવસ્થિત સુવિધાઓના અભાવે વાહનચાલકો મજબૂર થઈને પોતાના વાહનો સીધા જ દરિયાકિનારે પાર્ક કરવા માટે વિવશ બને છે, જે ગંભીર જોખમ નોતરી શકે છે.
ચાલુ દિવસોમાં અમાસ અને એકમ જેવા તિથિના સંયોગોને કારણે દરિયામાં ભરતી અને ઓટનું પ્રમાણ અસામાન્ય રીતે વધતું હોય છે. આવી જ કુદરતી સ્થિતિ વચ્ચે શ્રદ્ધાળુઓ પોતાની કાર કિનારે પાર્ક કરીને માતાજીના દર્શને ગયા હતા, તે દરમિયાન અચાનક દરિયાના પાણીનું સ્તર વધવા લાગ્યું હતું અને ભરતીના પાણી કિનારા સુધી ફરી વળ્યા હતા. પરિણામે, કિનારે ઊભી રાખેલી વાહનોની સુરક્ષા જોખમાઈ હતી અને એક કાર પાણીના પ્રચંડ પ્રવાહ તથા કીચડમાં ફસાઈ ગઈ હતી. પાણી ઝડપથી ગાડીની આસપાસ ભરાવા લાગતા આસપાસના લોકોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.
દરિયાના પાણીમાં ફવાયેલી કારને બચાવવા માટે સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. કારને બહાર કાઢવા માટે અંતે ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી, અને ભારે જહેમત તથા સંઘર્ષ બાદ ટ્રેક્ટર સાથે દોરડાં બાંધીને કારને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર ખસેડવામાં આવી હતી. આ ઘટનાએ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો કર્યો છે. દરિયાકિનારાના આ વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાકી પાર્કિંગ વ્યવસ્થા અને સાવચેતીના બોર્ડ લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
