JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, સાયબર હુમલાની આશંકા ન હોવાનો કંપનીનો દાવો

| By JAMNAGAR MIRROR
વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, સાયબર હુમલાની આશંકા ન હોવાનો કંપનીનો દાવો
માઈક્રોસોફ્ટના આઉટલુક અને અન્ય ક્લાઉડ સર્વિસિસમાં અચાનક સર્જાયેલા વૈશ્વિક વિક્ષેપથી દુનિયાભરમાં કરોડો યુઝર્સ પ્રભાવિત થયા છે. જોકે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ ઘટના પાછળ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે મેલિલિશિયસ પ્રવૃત્તિ નથી.

ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટની આઉટલુક સેવાઓ સહિત અનેક મુખ્ય પ્રોડક્ટ્સ અચાનક ડાઉન થઈ જતાં વિશ્વભરમાં હલચલ મચી ગઈ હતી. આ વૈશ્વિક આઉટટેજને કારણે માઈક્રોસોફ્ટ ૩૬૫, ટીમ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આસિસ્ટન્ટ કોપાયલોટ જેવી મહત્વપૂર્ણ સેવાઓ ઠપ થઈ ગઈ હતી. દુનિયાભરની નાની-મોટી કંપનીઓથી લઈને સરકારી સંસ્થાઓ અને દૂતાવાસો સુધીના યુઝર્સ ઈમેલ મોકલવા કે મેળવવામાં અસમર્થ બન્યા હતા. ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રાલયે પણ સત્તાવાર નોટિસારી કરીને જણાવ્યું હતું કે વૈશ્વિક આઉટટેજને કારણે દેશના તમામ એમ્બેસી અને કોન્સ્યુલેટની કામગીરી પર ભારે અસર પડી છે.

આ ગંભીર સમસ્યા અંગે સ્પષ્ટતા કરતા માઈક્રોસોફ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે કંપનીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અણધારી અને વધુ પડતા લોડ (Elevated Load)ને કારણે કનેક્ટિવિટીમાં ભૂલો સર્જાઈ હતી. શરૂઆતમાં કંપનીએ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં સમસ્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ ટૂંક સમયમાં જ આ સમસ્યા ૭૪ જેટલા દેશો અને પ્રદેશોમાં ફેલાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. ઓનલાઈન આઉટટેજ ટ્રેક કરતી એજન્સી ડાઉનડિટેક્ટરના જણાવ્યા અનુસાર, અમેરિકાથી લઈને યુરોપ, એશિયા અને આફ્રિકા સુધીના લાખો યુઝર્સ આ ટેકનિકલ ખામીથી પ્રભાવિત થયા હતા અને કલાકો સુધી ઓનલાઈન સંચાર સેવાઓ સંપૂર્ણપણે અટકી ગઈ હતી.

સમસ્યાના નિરાકરણ માટે માઈક્રોસોફ્ટની ટેકનિકલ ટીમે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી, જોકે શરૂઆતના પ્રયાસો ધાર્યા પ્રમાણે સફળ ન રહ્યા હોવાથી વૈકલ્પિક રસ્તાઓ શોધવા પડ્યા હતા. કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ કોઈ સાયબર હુમલો કે કોઈ પણ પ્રકારની 'મેલિલિશિયસ એક્ટિવિટી' (હાનિકારક પ્રવૃત્તિ) નથી, પરંતુ માત્ર ટેકનિકલ ઓવરલોડનો પ્રશ્ન છે. કલાકોની ભારે જહેમત અને સર્વર ટ્રાફિક ડાયવર્ટ કર્યા બાદ આખરે માઈક્રોસોફ્ટને આંશિક સફળતા મળી હતી અને ધીમે ધીમે સેવાઓ પૂર્વવત થવાની શરૂઆત થઈ હતી. કંપનીએ જણાવ્યું હતું કે કેપેસિટી સંપૂર્ણપણે બહાલ ન થાય ત્યાં સુધી આ મામલાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.

LATEST ARTICLES