ગ્લોબલ લેવલ પર માઈક્રોસોફ્ટના આઉટેજને કારણે બીજા દિવસે પણ આઉટલુક, ટીમ્સ અને કોપાઈલોટ જેવી મહત્વપૂર્ણ સેવાઓ ઠપ થઈ છે, જેની સીધી અસર ભારત સહિત દુનિયાભરના યુઝર્સ પર જોવા મળી છે. માઈક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર સર્વર્સ અચાનક અનઉપલબ્ધ થવાને કારણે ટ્રાફિક મેનેજમેન્ટમાં અસમંતુલન સર્જાયું છે અને આ કોઈ સાયબર હુમલો કે દૂષિત પ્રવૃત્તિ નથી. કંપની દ્વારા બેકએન્ડ સર્વર્સને પુનઃસ્થાપિત કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા વધારવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, જો કે આ પ્રક્રિયા પડકારજનક હોવાથી હજુ સુધી સેવાઓ સંપૂર્ણપણે પૂર્વવત થવાની ચોક્કસ સમયમર્યાદા આપવામાં આવી નથી.
આ વૈશ્વિક તકનીકી ખામી વચ્ચે એર ઈન્ડિયાએ રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે તેમની ફ્લાઈટ ઓપરેશન્સ અને કોમ્યુનિકેશન ચેનલો સંપૂર્ણપણે સામાન્ય છે. ગ્રાહકોના સંદેશાઓ અબાધિત રહે તે માટે એરલાઈને ઈમેલ કામચલાઉ ધોરણે રીડાયરેક્ટ કર્યા છે અને 24 કલાકની અંદર તમામ પ્રશ્નોના જવાબો આપવામાં આવી રહ્યા છે. બીજી તરફ, ઈન્ડિગો અને આકાશ એરની ઈમેલ સપોર્ટ સેવાઓ આ ખામીના કારણે આંશિક રીતે પ્રભાવિત થઈ છે, જેના કારણે ગ્રાહકોના ઈમેલ મેળવવામાં મુશ્કેલીઓ સર્જાઈ છે. આ બંને એરલાઈન્સે મુસાફરોને તાત્કાલિક સહાયતા માટે વેબસાઈટ, મોબાઈલ એપના AI આસિસ્ટન્ટ તેમજ સોશિયલ મીડિયા અને કેર સેન્ટરનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
આઉટેજને કારણે માઈક્રોસોફ્ટના 365 બિઝનેસ, એન્ટરપ્રાઈઝ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પ્રભાવિત થયા છે, જેમાં આઉટલુક પર મેઈલ મોકલવા કે મેળવવામાં વિલંબ તેમજ કોપાઈલોટ ચેટ લોડ થવામાં મુશ્કેલીઓ આવી રહી છે. માઈક્રોસોફ્ટ ટીમ્સ પર કોલ અને ગ્રુપ ચેટ જેવી મુખ્ય સુવિધાઓ ચાલુ છે પરંતુ કેલેન્ડર અને શિડ્યુલિંગ સંબંધિત કાર્યોમાં અવરોધ ઊભો થયો છે. ભારતમાં ગુરુવાર રાત્રે શરૂ થયેલી આ સમસ્યા ડાઉનડિટેક્ટર પર શુક્રવારે સવાર સુધી નોંધાઈ હતી. માઈક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ચાર્લ્સ લમાન્યાએ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ સાયબર હુમલો નથી અને યુઝર્સને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરીને સેવાઓ ઝડપથી સુધારવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
