JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

સોમનાથમાં ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ: સરદાર પટેલના ઐતિહાસિક સંકલ્પના 79 વર્ષ પૂર્ણ

| By JAMNAGAR MIRROR
સોમનાથમાં ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ: સરદાર પટેલના ઐતિહાસિક સંકલ્પના 79 વર્ષ પૂર્ણ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ઐતિહાસિક સંકલ્પ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શાસ્ત્રોક્ત મહાપૂજા, પુષ્પાંજલિ અને દીપમાળાના અલૌકિક નજારા સાથે હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ પર આસ્થા, રાષ્ટ્રભક્તિ અને ગૌરવશાળી ઇતિહાસનો અપૂર્વ સમન્વય જોવા મળ્યો હતો, જ્યારે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા લેવાયેલા મંદિરના પુનઃનિર્માણના સંકલ્પના 79 વર્ષ પૂર્ણ થયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ ઐતિહાસિક દિવસની યાદમાં 80મા 'સંકલ્પ દિન'ની અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી બાદ 13 નવેમ્બર 1947ના રોજ પ્રભાસ પાટણની ધરતી પર પગ મૂકનારા સરદાર સાહેબે ખંડિત સોમનાથ મંદિરની દશા જોઈને ઊંડી વેદના અનુભવી હતી અને અરબી સમુદ્રના પવિત્ર જળને સાક્ષી રાખી મંદિરના ભવ્ય જીર્ણોદ્ધારની અટલ પ્રતિજ્ઞા લીધી હતી. આ સ્વાભિમાન અને પુનરુત્થાનની યાદગીરી રૂપે દર વર્ષે આ દિવસે વિશેષ કાર્યક્રમો યોજાય છે.

આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા મંદિર પરિસરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર, ટ્રસ્ટના પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ મંદિરના વિદ્વાન પુરોહિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્ર નિર્માણ તથા અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના અદમ્ય સાહસને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે જ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના દિવ્ય નાદથી ગુંજી ઉઠ્યું હતું.

દિવસભર ચાલેલા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને ધ્વજારોહણ જેવા કાર્યક્રમો બાદ સાંજના સમયે દેવાધિદેવ મહાદેવનો અલૌકિક 'સાયંશૃંગાર' કરવામાં આવ્યો હતો. સંકલ્પ દિનના આ પાવન અવસરે સમગ્ર મંદિર પરિસરને ભવ્ય 'દીપમાળા'થી ઝળહળતું કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌ કોઈનું મન મોહી લીધું હતું. સરદાર પટેલના દ્રઢ સંકલ્પથી સાકાર થયેલું આજના આ ભવ્ય મંદિરનું સ્વરૂપ ભારતીય સંસ્કૃતિના ગૌરવ અને સ્વાભિમાનનું જીવંત પ્રતીક છે. આ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કરી અને દીપમાળાના આદભુત અલૌકિક નજારાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

LATEST ARTICLES