સરકારી નોકરીઓ અને વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર તથા ગેરરીતિઓ ડામવા માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત કડક અને સીમાચિહ્નરૂપ નિર્ણય જાહેર કર્યો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સરકારી કર્મચારીની ધરપકડ થાય અને તે 48 કલાકથી વધુ સમય માટે જેલ કે ન્યાયિક કસ્ટડીમાં વિતાવે, તો તેવા સંજોગોમાં તે કર્મચારી આપોઆપ મોકૂફ એટલે કે 'ડીમ્ડ સસ્પેન્ડેડ' ગણાશે. આ કાનૂની પ્રક્રિયા માટે સંબંધિત સરકારી વિભાગ દ્વારા કોઈ અલગથી સત્તાવાર સસ્પેન્શન ઓર્ડર જાહેર કરવાની બિલકુલ આવશ્યકતા રહેતી નથી. અદાલતે જણાવ્યું હતું કે આ જોગવાઈ પોતાની મેળે જ અમલમાં આવી જાય છે અને સક્ષમ સત્તાધિકારી દ્વારા ઔપચારિક સમીક્ષા ન થાય ત્યાં સુધી તે બરકરાર રહે છે.
બિહારના સમસ્તીપુર સ્થિત સદર હોસ્પિટલના પ્રશાસક વિશ્વજીત સિંહ સામેના લાંચના કેસની સુનાવણી દરમિયાન આ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા સામે આવી હતી. એક કરાર આધારિત કર્મચારીનો પેન્ડિંગ પગાર ચૂકવવાના બદલામાં 4,000 રૂપિયાની લાંચ માંગવાના આ કેસમાં પટના હાઈકોર્ટે નીચલી અદાલતના જામીન રદ કર્યા હતા, જેને સુપ્રીમ કોર્ટે રદબાતલ ઠેરવીને આરોપીના જામીન બહાલ કર્યા છે. સુનાવણી દરમિયાન અદાલતે તે વાત પર ઊંડું આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરી હતી કે અંદાજે 15 દિવસ જેલમાં વિતાવ્યા બાદ પણ તે અધિકારીની મોકૂફી અચાનક રદ કરીને તેને એ જ હોદ્દા પર પુનઃ તહેનાત કરી દેવાયા હતા. SCએ સ્પષ્ટ ટકોર કરી હતી કે આવા આરોપીઓ ફરીથી મહત્વની ખુરશી પર બેસીને તપાસને પ્રભાવિત કરી શકે છે અને પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે.
આ સાથે જ અદાલતે વહીવટી તંત્રમાં ચાલતી મિલીભગત અને છટકબારીઓ સામે પણ આકરી લાલ આંખ કરી છે, જ્યાં ઉચ્ચ અધિકારીઓ પોતાના માનીતા કર્મચારીઓને બચાવવા માટે સસ્પેન્શનના આદેશોમાં જાણીજોઈને વિલંબ કરતા હોય છે. આ ચુકાદામાં અદાલતે નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતાને લઈને પણ એક મહત્વનો સિદ્ધાંત સ્થાપિત કર્યો છે કે માત્ર લાંચની રકમ નાની કે મોટી હોવાના આધારે કોઈના જામીન રદ કરી શકાય નહીં, જો આરોપીએ જામીનની શતોર્નો ભંગ ન કર્યો હોય. ન્યાયાલયના આ કડક વલણને કારણે હવે વહીવટી વિભાગોમાં ભ્રષ્ટ કર્મચારીઓને છાવરવાની પ્રવૃત્તિને મોટો આંચકો લાગ્યો છે.
