JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જુલાઈ પછીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા કિંમતી ધાતુઓ

Oct 30, 2026 | 18:20 | By JAMNAGAR MIRROR
સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જુલાઈ પછીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા કિંમતી ધાતુઓ
યુએસ જીડીપીના મજબૂત આંકડા અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. જુલાઈ મહિના પછી સોનું તેની સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચ્યું છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓ માટે શુક્રવારનો દિવસ અત્યંત મુશ્કેલ સાબિત થયો હતો, જેમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ભારે ગડાણ જોવા મળ્યું હતું. હાજર બજારમાં ચાંદી ૩.૬ ટકા ઘટીને ૫૦.૫૦ ડોલર પ્રતિ ઓંસ થઈ ગઈ છે, જ્યારે પ્લેટિનમ ૩ ટકા અને પેલેડિયમ ૨.૫ ટકા ગગડ્યા છે. આ સાથે જ, યુએસ ગોલ્ડ ફ્યુચર્સ ૧ ટકા ઘટીને ૩,૯૯૧.૧૦ ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી ગયું છે અને સ્પોટ ગોલ્ડ પણ ૧ ટકાના ઘટાડા સાથે ૩,૯૮૦.૪૦ ડોલર પ્રતિ ઓંસ પર આવી ગયું છે. આ સતત બીજો મહિનો છે જ્યારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને ઓક્ટોબર મહિનામાં જ સોનું આશરે ૪.૩ ટકા જેટલું નીચું આવ્યું છે.

સોનાના ભાવમાં આવેલા આ અચાનક અને મોટા ઘટાડા પાછળ મુખ્યત્વે બે આર્થિક પરિબળો જવાબદાર છે. યુએસ જીડીપીના તાજેતરના આંકડા અપેક્ષા કરતા ઘણા વધુ મજબૂત આવ્યા છે અને સપ્ટેમ્બર મહિનામાં ફુગાવામાં પણ વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત, હોરમુઝ સ્ટ્રેટમાં ક્રૂડ ઓઈલ ટેન્કર પરના હુમલાને કારણે તેલના ભાવ ઊંચકાાયા છે, જેનાથી વૈશ્વિક સ્તરે સપ્લાયનું જોખમ વધ્યું છે. આ પરિબળોને કારણે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આગામી સમયમાં વ્યાજદરમાં ફરીથી વધારો કરવામાં આવશે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. ઊંચા વ્યાજદરના વાતાવરણમાં સોના જેવી વ્યાજ ન આપતી એસેટ્સમાંથી રોકાણકારોનું આકર્ષણ ઘટે છે, જેની સીધી અસર ભાવ પર પડી છે.

જો કે, બજારના નિષ્ણાતો અને વિશ્લેષકોના મતે આ મંદી અસ્થાયી છે અને ભવિષ્યમાં સોનાની ચમક પાછી ફરવાની પૂરી શક્યતા છે. યુબીએસ (UBS) ના વિશ્લેષક જ્યોર્વાન્ની સ્ટાઉનોવોના જણાવ્યા અનુસાર, લાંબા ગાળે યુએસ ફેડરલ રિઝર્વને ફરીથી વ્યાજદર ઘટાડવાની ફરજ પડશે અને ફુગાવા પર કાબૂ આવશે, જેના કારણે આવતા વર્ષ સુધીમાં સોનાનો ભાવ વધીને ૫,૦૦૦ ડોલર કે તેથી વધુ સપાટીને સ્પર્શી શકે છે. હાલમાં મુખ્ય સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદરમાં રાહત આપી છે પરંતુ ઊર્જા ક્ષેત્રના વધતા ખર્ચ અને ફુગાવાના જોખમોને ધ્યાનમાં રાખીને કડક નાણાકીય નીતિઓ હજુ પણ યથાવત રાખી છે.

LATEST ARTICLES