JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

બનાસકાંઠામાં વડાપ્રધાન મોદીના હસ્તે રૂ. ૧૪,૦00 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ

Oct 30, 2026 | 19:20 | By JAMNAGAR MIRROR
બનાસકાંઠામાં વડાપ્રધાન મોદીના હસ્તે રૂ. ૧૪,૦00 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન બનાસકાંઠાના ભીલડી ખાતેથી ૧૪ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે. પશુપાલન અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે આધુનિક ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે બનાસકાંઠાના ભીલડી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ૧૪ હજાર કરોડ રૂપિયાથી વધુના જંગી વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (બીબીબીઆરસી)નું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ થરાદ અને રાધનપુરમાં બનાસ ડેરીના બે અત્યાધુનિક બાયો-સીએનજી પ્લાન્ટનો શિલાન્યાસ કરાયો હતો. આ ઉપરાંત, અમદાવાદ મેટ્રો ફેઝ-૨એ અને ૨બી ના વિસ્તરણની સાથે રાજ્યના વિવિધ વિકાસ પ્રકલ્પોને વેગ આપવામાં આવ્યો છે. ભીલડીમાં યોજાયેલા ભવ્ય રોડ શો અને વિશાળ 'ખાટલા સભા'માં વડાપ્રધાને જનમેદનીને સંબોધિત કરી હતી.

પશુપાલન અને કૃષિ ક્ષેત્રને દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાનું કરોડરજ્જુ ગણાવતા વડાપ્રધાને જણાવ્યું હતું કે વર્તમાન સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજીને જોડીને પશુપાલકો માટે ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા છે. આજના આધુનિક આઈવીએફ (IVF) અને એમ્બ્રાયો ટ્રાન્સફર ટેકનોલોજી દ્વારા દેશી ગાયોનું ઉત્તમ સંવર્ધન થશે, જે રાષ્ટ્રીય ગોકુલ મિશનને વધુ મજબૂત બનાવશે. કચરામાંથી સમૃદ્ધિ (વેસ્ટ ટુ વેલ્થ)ના મંત્રને સાકાર કરતા બાયો-સીએનજી પ્લાન્ટ્સ ગ્રામીણ સ્તરે રોજગારી અને સ્વચ્છ ઊર્જાનું નિર્માણ કરશે. આ સાથે ખેડૂતોને સોલાર પંપ અને પોષણક્ષમ સહાય દ્વારા અંદાજે ૫૦ લાખ કરોડ રૂપિયાની બચત થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતની જનતા સાથેના પોતાના ગાઢ સંબંધોને યાદ કરતા વડાપ્રધાને કહ્યું કે દેશની સેવામાં ૨૫ વર્ષ પૂર્ણ થયા છે અને તેઓ જીવશ ત્યાં સુધી ગુજરાતના ઋણી રહેશે. વિપક્ષીઓ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે કેટલાક લોકો ખેડૂતો અને મહિલાઓને ભ્રમમાં નાખવાના પ્રયાસો કરે છે, પરંતુ સરકાર હંમેશાં અન્નદાતાઓની પડખે ઊભી છે. ભીલડીના કાર્યક્રમ બાદ વડાપ્રધાન કેવડિયા જવા રવાના થશે, જ્યાં તેઓ ૩૧મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણીમાં સહભાગી બનશે અને રાષ્ટ્રને સમર્પિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

LATEST ARTICLES