વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ઓક્ટોબરે વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતેથી ઉત્તર ગુજરાતને બે મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં બનાસ ડેરીના અત્યાધુનિક ફ્રેન્ચ ફ્રાઇઝ પ્રોસેસિંગ પ્લાન્ટનું વિસ્તરણ કરીને તેનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે, જેનાથી સ્થાનિક બટાકા ઉત્પાદક ખેડૂતોની કમાણી વધશે અને તેમને બજારમાં નવી તકો મળશે. આ ઉપરાંત, ગુજરાતનાં બાળકોના સર્વાંગી વિકાસ અને મહિલાઓના પોષણ સ્તરને વધુ મજબૂત કરવા માટે આશરે ₹750 કરોડના જંગી ખર્ચે તૈયાર થનારી ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડીઓનો પણ શુભારંભ કરવામાં આવશે, જે ગ્રામીણ ગુજરાત માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
બનાસકાંઠા જિલ્લો સમગ્ર દેશમાં બટાકાના ઉત્પાદનમાં અગ્રેસર છે અને છેલ્લા 25 વર્ષમાં અહીં બટાકાની ખેતીનો વિસ્તાર માત્ર 400 હેક્ટરથી વધીને 61016 હેક્ટરે પહોંચ્યો છે. વર્ષ 2024-25 દરમિયાન જિલ્લામાં અંદાજે 18.7 લાખ ટન બટાકાનું મબલખ ઉત્પાદન નોંધાયું હતું. ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે બનાસ ડેરીએ ₹51.65 કરોડના રોકાણથી સણાદર પ્લાન્ટની ક્ષમતા પ્રતિ કલાક 2 ટનથી વધારીને 5 ટન કરી દીધી છે. ડેરી દ્વારા બિયારણથી લઈને ફ્રેન્ચ ફ્રાઇઝ સુધીની ‘સીડ-ટુ-ફ્રાય’ સીસ્ટમ વિકસાવવામાં આવી છે, જેમાં ખેડૂતો સાથે અગાઉથી જ બાયબેક ભાવ નક્કી કરવામાં આવે છે. બીજી તરફ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાતભરમાં આશરે ₹750 કરોડના ખર્ચે 4300થી વધુ આંગણવાડીઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે, જેનાથી અંદાજે 4 લાખ જેટલા લાભાર્થી બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓને સીધો ફાયદો થશે.
આ નવી આંગણવાડીઓને ‘બેલા’ એટલે કે બિલ્ડિંગ એઝ લર્નિંગ એઈડની આધુનિક સંકલ્પના હેઠળ તૈયાર કરવામાં આવી છે, જેમાં દિવ્યાંગ બાળકો માટે રેમ્પ, શુદ્ધ પીવાનું પાણી, વીજળી, એલઈડી સ્માર્ટ ટીવી અને બાળમૈત્રીપૂર્ણ ફર્નિચર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ બાંધકામની ગુણવત્તા જળવાઈ રહે તે માટે IIT ગાંધીનગરના સહયોગથી થર્ડ પાર્ટી ટેકનિકલ નિરીક્ષણ પણ કરાવવામાં આવ્યું છે. આજના સમયમાં ગુજરાતમાં 53 હજારથી વધુ આંગણવાડીઓ કાર્યરત છે જે ICDS યોજના હેઠળ 51 લાખથી વધુ લાભાર્થીઓને સેવાઓ આપી રહી છે. બનાસ ડેરીના પ્લાન્ટના વિસ્તરણ અને આધુનિક આંગણવાડીઓની આ બેવડી ભેટથી એક તરફ કૃષિ આધારિત ઉદ્યોગોને વેગ મળશે તો બીજી તરફ કુપોષણ મુક્ત અને શિક્ષિત ગુજરાતના નિર્માણની દિશામાં એક મોટું પગલું ભરાશે.
