ટેક વર્લ્ડમાં ખળભળાટ મચાવતા અહેવાલ મુજબ, સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડની ટોપ એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ નામના ચીની નાગરિકને યુએસ સ્પાય એજન્સીઓએ ચીનના જાસૂસી એસેટ તરીકે ઓળખી કાઢ્યા હતા. આ બિઝનેસવુમને એવાઇડિયાના સીઈઓ જેન્સન હુઆંગ સાથે ગાઢ સંબંધો વિકસાવીને એવાઇડિયાની એડવાન્સ્ડ એઆઈ ચિપ્સ અને અતિ મહત્ત્વની ઈન્ટેલિજન્સ માહિતી ગુપ્ત રીતે ચીન મોકલવાનું કારસો રચ્યો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ અંગે આશરે 1 વર્ષ અગાઉ જ ઇન્ટેલિજન્સ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ અમેરિકી અર્થતંત્ર અને શેરબજારને ધબકતું રાખતી એવાઇડિયાના બિઝનેસમાં કોઈ ખલેલ ન પડે તે માટે ટ્રમ્પે આ મામલે કોઈ કડક પગલાં લેવાનું ટાળ્યું હતું. જોકે, કેટલાક વરિષ્ઠ અધિકારીઓને શંકા છે કે જેન્સન હુઆંગ આ જાસૂસી પ્રવૃત્તિથી સાવ અજાણ નહીં હોય.
આ મામલે એવાઇડિયાના સ્પોકર્સન જ્હોન રિઝ્ઝઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે જેન્સન હુઆંગની એલિસ હુઆંગ સાથેની મુલાકાતો સામાન્ય વ્યાપારી પ્રક્રિયાનો હિસ્સો હતી અને કોઈ સંવેદનશીલ ટ્રેડ સીક્રેટ કે નેશનલ સિક્યુરિટીને લગતી માહિતી શેર કરવામાં આવી નહોતી. મેગાસ્પીડ કંપની અગાઉ પણ તપાસના ઘેરામાં આવી ચૂકી છે, જ્યારે ચીની એમ્બેસીએ આ તમામ જાસૂસીના દાવાઓને પાયાવિહોણા અને રાજકીયરીતો પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે. વર્ષ 2022 થી યુએસ સરકારે એડવાન્સ્ડ સેમીકંડક્ટર્સ ચીન જતા અટકાવવા માટે નિયંત્રણો મૂક્યા હતા, છતાં સાઉથઈસ્ટ એશિયા દ્વારા ગેરકાયદેસર રીતે ચિપ્સ પહોંચાડવાના રસ્તાઓ શોધવામાં આવ્યા હતા. આ મામલે જેન્સન હુઆંગે અગાઉ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરી હતી અને કંપનીએ ફંડમાં 20 મિલિયન ડોલરનું દાન આપવા સાથે યુએસ મેન્યુફેક્ચરિંગમાં 500 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું વચન પણ આપ્યું હતું.
આ સમગ્ર પ્રકરણ એવા સમયે બહાર આવ્યું છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટેકનોલોજી અને વેપારને લઈને ખેંચતાણ ચાલી રહી છે. યુએસ સરકારે તાજેતરમાં જ વિદેશી ડેટા સેન્ટર ઓપરેટર્સ પર કડક નિયંત્રણો લાવવા બાબતે વિચારણા શરૂ કરી છે, જે સીધી રીતે મેગાસ્પીડ જેવી કંપનીઓને અસર કરી શકે છે. જેન્સન હુઆંગ રાજકારણથી દૂર રહેતા હતા, પરંતુ એવાઇડિયાની સેમીકંડક્ટર્સ નિકાસ પર પ્રતિબંધ લાગવાની નોબત આવી ત્યારે તેમણે વ્હાઇટ હાઉસ અને ટ્રમ્પ પ્રશાસન સાથે સીધો સંવાદ સાધીને ટેક કંપનીઓને બિઝનેસ કરવાની મંજૂરી આપવા લોબિંગ કર્યું હતું. હવે આગામી સમયમાં યુએસ સરકાર આ મામલે કેવા કડક નિયમો લાવે છે અને ગ્લોબલ ટેક માર્કેટ પર તેની શી અસર પડે છે તે જોવું રસપ્રદ રહેશે.
