JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

અમેરિકાએ જાહેર કરી ચીનના રહસ્યમય સ્પેસપ્લેનની સેટેલાઈટ ઈમેજ

Oct 29, 2026 | 21:28 | By JAMNAGAR MIRROR
અમેરિકાએ જાહેર કરી ચીનના રહસ્યમય સ્પેસપ્લેનની સેટેલાઈટ ઈમેજ
યુએસ ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીએ ચીનના ગુપ્ત અને રુએબલ સ્પેસપ્લેનની હાઈ-રિઝોલ્યુશન તસવીર જાહેર કરી છે. આ યાન અમેરિકાના X-37B જેવું જ દેખાઈ રહ્યું છે, જેના કારણે અંતરિક્ષમાં વધતી સૈન્ય હરિફાઈ અને તેની ક્ષમતાઓને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

યુએસ ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સી એટલે કે DIA દ્વારા તાજેતરમાં સ્પેસ સુરક્ષાને લઈને એક મોટો અને ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ચીનના પ્રાયોગિક અને રુએબલ સ્પેસપ્લેનની એક સ્પષ્ટ સેટેલાઈટ ઈમેજ સામે આવી છે, જેણે દુનિયાભરના સંશોધકોનું ધ્યાન ખેંચ્યું છે. મેક્સાર ટેક્નોલોજીસના સેટેલાઈટ દ્વારા લેવાયેલી આ તસવીરમાં ચીનનું આ યાન દેખાઈ રહ્યું છે, જે અદ્ભુત રીતે અમેરિકન સ્પેસ ફોર્સના જાણીતા એક્સ-37બી યાન સાથે મળતું આવે છે. જોકે, અગાઉ 2024થી આ યાનની ઝાંખી તસવીરો ફરતી થઈ હતી, પરંતુ તાજેતરના આ ડીક્લાસિફાઈડ રિપોર્ટે સત્તાવાર રીતે તેના અસ્તિત્વ પર મ્હોર મારી દીધી છે.

આ જાહેર કરાયેલી તસવીરમાં સ્પેસપ્લેનનું માળખું શટલ જેવું દેખાય છે, જેમાં પાંખો, બે વર્ટિકલ ટેલ, ઓપન પેલોડ બે અને સોલાર પેનલવાળો પાછળનો ભાગ સ્પષ્ટ જોઈ શકાય છે. ચીન દ્વારા 2020થી અત્યાર સુધીમાં આવા 4 સ્પેસપ્લેન મિશન પાર પાડવામાં આવ્યા છે, અને તેનું તાજેતરનું ચોથું મિશન 07 ફેબ્રુઆરી, 2026ના રોજ શરૂ થયું હતું. ખાસ વાત એ છે કે આ યાન ઓરબીટમાં નાના ઓબ્જેક્ટ્સ છોડવાની અને તેને ફરીથી કેપ્ચર કરવાની ક્ષમતા ધરાવે છે. પશ્ચિમી દેશોમાં આ યાનને શેનલોંગ નામથી ઓળખવામાં આવે છે, અને તે સામાન્ય રોકેટ દ્વારા લોન્ચ થઈને પૃથ્વી પર રનવે પર લેન્ડિંગ કરે છે.

DIAના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આવા રુએબલ સ્પેસપ્લેન પરંપરાગત સેટેલાઈટ કરતા વધુ સારી રીતે મેન્યુવર કરી શકે છે અને અંતરિક્ષમાં અવરોધ ઊભો કરવાની ક્ષમતા ધરાવે છે. ચીન માત્ર સ્પેસપ્લેન જ નહીં, પરંતુ ગ્રાઉન્ડ-બેઝ્ડ લેસર વેપન્સ અને એન્ટી-સેટેલાઈટ મિસાઈલ જેવી કાઉન્ટર-સ્પેસ ટેકનોલોજી પણ વિકસાવી રહ્યું છે. જોકે આ ચીની યાન કોઈ હથિયાર લઈને ફરે છે કે કેમ તેની પુષ્ટિ નથી થઈ, પરંતુ અંતરિક્ષમાં વધતી આ હરિફાઈ આગામી સમયમાં અમેરિકા અને તેના સહયોગી દેશો માટે ચિંતાનો વિષય ચોક્કસ બની રહી છે.

LATEST ARTICLES