JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

કેરળમાં મર્સિડીઝ હિટ એન્ડ રન કેસ: જજ અને સગીર પુત્રના જામીન સામે હાયર કોર્ટમાં જશે સરકાર

Oct 29, 2026 | 21:31 | By JAMNAGAR MIRROR
કેરળમાં મર્સિડીઝ હિટ એન્ડ રન કેસ: જજ અને સગીર પુત્રના જામીન સામે હાયર કોર્ટમાં જશે સરકાર
મર્સિડીઝ કાર અકસ્માતમાં 55 વર્ષના વ્યક્તિના મોત બાદ વિવાદ વકર્યો છે. કેરળના હોમ મિનિસ્ટર રમેશ ચેન્નીથાલાએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર પીડિત પરિવારની સાથે છે અને જજ તથા તેમના સગીર પુત્રના એન્ટિસિપેટરી બેલ રદ કરાવવા માટે હાયર કોર્ટમાં અપીલ કરવામાં આવશે.

કેરળમાં મર્સિડીઝ બેન્ઝ કાર સાથે જોડાયેલા હિટ એન્ડ રનના એક ચકચારી કેસમાં હવે રાજકારણ અને તપાસ તેજ થઈ ગઈ છે. રવિવારની વહેલી સવારે બનેલી આ કરુણ ઘટનામાં 55 વર્ષીય જયબાલકૃષ્ણનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જનાર મર્સિડીઝ કાર એક જજની હોવાનું સામે આવ્યું છે અને ગાડી તે સમયે તેમનો 17 વર્ષીય સગીર પુત્ર ચલાવી રહ્યો હોવાનો આક્ષેપ છે. આ ગંભીર મામલે શરૂઆતમાં એર્નાકુલમ પોલીસ સ્ટેશનના અધિકારીઓની કામગીરી શંકાના ઘેરામાં આવતા રાજ્યના હોમ મિનિસ્ટર રમેશ ચેન્નીથાલાએ પોલીસની ભૂમિકા સામે પણ સખત નારાજગી વ્યક્ત કરી છે.

આ કેસમાં આરોપી જજે દલીલ કરી હતી કે તેમના પુત્રએ તેમની જાણ વગર ગાડી કાઢી હતી અને તેણે માત્ર યુટ્યુબ વિડિયો જોઈને જ ડ્રાઇવિંગ શીખ્યું હતું. જો કે, સગીરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હાઈ સ્પીડ ડ્રાઇવિંગના વિડિયો મળી આવ્યા હતા જેને બાદમાં ડિલીટ કરી દેવાયા હતા. આ બચાવને આધારે અદાલતે જજને એન્ટિસિપેટરી બેલ મંજૂર કરી દીધા હતા, જેના પગલે પીડિત પરિવાર અને લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પરિવારનો આરોપ છે કે જજ પદ પર હોવાને કારણે તેમને વિશેષ અનુકૂળતા આપવામાં આવી રહી છે.

પરિવારના આક્ષેપોને સમર્થન આપતા હોમ મિનિસ્ટર ચેન્નીથાલાએ જણાવ્યું હતું કે સરકાર પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે છેલ્લી ઘડી સુધી લડત આપશે અને જજ તથા તેમના પુત્રના જામીન રદ કરાવવા હાયર કોર્ટના દરવાજા ખખડાવશે. આ મામલે કેરળ સરકારે અત્યાર સુધીમાં કડક પગલાં લેતા કોચીના પોલીસ ચીફની બદલી કરી દીધી છે અને પુરાવા સાથે ચેડાં કરવાના શંકાસ્પદ પોલીસકર્મીઓ સામે પણ ખાતાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે.

LATEST ARTICLES