ગુરુવારે અમેરિકન શેરબજાર વોલ સ્ટ્રીટની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, જેમાં ટેક-હેવી નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 1.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ દ્વારા અપેક્ષા કરતાં ઓછા પ્રોફિટના આંકડા જાહેર કરવામાં આવ્યા બાદ રોકાણકારોએ મોટા પાયે શેરોનું વેચાણ કર્યું હતું. આ ટેક જાયન્ટ કંપની દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ પાછળ મોટાપાયે ખર્ચ ચાલુ રાખવામાં આવ્યો છે, પરંતુ સર્ચ એન્જિન ગ્રોથમાં ધીમી ગતિ અને ફ્રી કેશ ફ્લો ઘટવાને કારણે રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે ગૂગલના શેરમાં 10 ટકાથી વધુનો કડાકો જોવા મળ્યો છે.
આ વૈશ્વિક બજારની અશાંતિ વચ્ચે એશિયાઈ બજારોમાં નરમાઈ જોવા મળી હતી, જ્યારે યુરોપિયન બજારોએ મજબૂત દેખાવ કર્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરો યથાવત રાખ્યા બાદ શેલ અને ટોટલએનર્જીઝ જેવા ઓઈલ જાયન્ટ્સના શાનદાર નફાના સહારે લંડન અને પેરીસના શેરબજારો ઉછળ્યા હતા. મિડલ ઇસ્ટમાં ઓઈલ અને ગેસ સપ્લાયમાં વિક્ષેપને કારણે ક્રૂડના ભાવ અને રિફાઇનિંગ માર્જિનને ટેકો મળ્યો હતો, જોકે યુએસ અને ઇરાન વચ્ચે રાજદ્વારી પ્રયાસોના અહેવાલો વચ્ચે ક્રૂડના ભાવમાં આશરે 2 ટકાનો ઘટાડો પણ નોંધાયો હતો. બીજી તરફ સાઉથ કોરિયાની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા રેકોર્ડ ત્રિમાસિક નફો આપવા છતાં સેમીકન્ડક્ટર ડિવિઝનમાં અપેક્ષા કરતાં નબળા પરિણામો આવતા ટેક સેક્ટરમાં ચિંતા વધુ વધી હતી.
આ બધાની વચ્ચે માર્કેટની નજર હવે એમેઝોન અને ઇન્ટેલના આવનારા પરિણામો પર છે, કારણ કે માર્કેટમાં એઆઈ ટેકનોલોજીના ભવિષ્ય અને તેના રિટર્ન અંગે શંકાઓ સેવાઈ રહી છે. યુએસ ફેડરલ રિઝર્વે ફુગાવા સામે લડવા માટે વ્યાજદરો યથાવત રાખ્યા છે અને ફુગાવો 2 ટકાના લક્ષ્યાંકથી ઉપર ચાલી રહ્યો છે, જેને લઈને ડિસેમ્બરમાં વ્યાજદરો વધવાની શક્યતાઓ 75 ટકાથી વધુ રોકાણકારો સેવી રહ્યા છે. જોકે રાહતની વાત એ છે કે ત્રીજા ક્વાર્ટરમાં યુએસ ઇકોનોમી અપેક્ષા કરતાં સારી રહીને 3.4 ટકાના વાર્ષિક દરે ગ્રોથ કરી રહી છે, જે આગામી સમયમાં માર્કેટની દિશા નક્કી કરવામાં મહત્વની સાબિત થશે.
