પુણેમાં ખાખી વર્દીની આબરૂને ધૂળમાં મેળવતો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ડ્યુટી પર હાજર એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ નશામાં ધૂત થઈને ગાડી ચલાવતી પકડાઈ હતી. અશ્વિની ફુલચંદ કેકાણ નામની આ મહિલા કોન્સ્ટેબલે પોલીસ યુનિફોર્મની મર્યાદા નેતાઈ પર મૂકીને માત્ર દારૂ જ નહોતો પીધો, પરંતુ જાહેર જનજીવન માટે પણ મોટું જોખમ ઊભું કર્યું હતું. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે, જેમાં તે ડ્રાઈવર સીટ પર બેસીને આસપાસના લોકો સાથે ઉદ્ધતાઈપૂર્વક દલીલો કરતી નજરે પડે છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ગંભીર બનાવ 26 અને 27 ઓક્ટોબરની વચ્ચે પુણેના માંજરી વિસ્તારમાં બન્યો હતો, જ્યાં અશ્વિનીએ દારૂના ભારે નશામાં પોતાની કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને વાહન અથડાયું હતું. બનાવ બાદ તરત જ તેની મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી, જેમાં તેણે દારૂનું સેવન કર્યું હોવાનું સ્પષ્ટપણે સાબિત થઈ ગયું હતું. આ મામલે માંજરી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ વિભાગની છબી ખરાબ કરવા બદલ તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટનાનો વિડીયો આરટીઆઈ એક્ટિવિસ્ટ વિજય કુંભરે સોશિયલ મીડિયા પર શેર કરીને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
સસ્પેન્શનના આ સમયગાળા દરમિયાન અશ્વિની કેકાણ કોઈપણ પ્રકારની ખાનગી નોકરી કે બિઝનેસ સાથે જોડાઈ શકશે નહીં અને વરિષ્ઠ અધિકારીઓની પૂર્વ પરવાનગી વગર હેડક્વાર્ટર છોડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાયદો સુરક્ષિત રાખવાની જવાબદારી જેમના પર છે તે જ રક્ષકો જ્યારે ખુલ્લેઆમ કાયદાના ધજાગરા ઉડાવે ત્યારે સામાન્ય નાગરિકોમાં સવાલો ઉઠવા સ્વાભાવિક છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ પ્રકરણ બાદ પુણેમાં ટ્રાફિક નિયમો અને રોડ સેફટીને લઈને ફરી એકવાર ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે જો પોલીસ જ આવા ગુનાહિત કૃત્ય કરશે તો સામાન્ય પ્રજાને ન્યાય કોણ અપાવશે.
