વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ઉથલપાથલ અને યુદ્ધ જેવી અસ્થિર પરિસ્થિતિઓ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂતીથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક કાર્યક્રમમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દુનિયાભરમાં ગ્લોબલ ટ્રેડ સામે ગમે તેટલા પડકારો હોય, પરંતુ ભારત આ વર્ષે તેનું 1 ટ્રિલિયન ડોલરનું એક્સપોર્ટ ટાર્ગેટ ચોક્કસપણે પાર કરશે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે સરકાર આ ફાઇનાન્શિયલ યરમાં એક્સપોર્ટ ગ્રોથને 15 ટકા આસપાસ લઈ જવા માટે કામ કરી રહી છે અને દેશ આ મુશ્કેલ સમયમાં પણ વૈશ્વિક સ્તરે ચમકી રહ્યો છે.
આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, વર્ષ 2025-26 દરમિયાન ભારતનું ગુડ્સ અને સર્વિસિસનું એક્સપોર્ટ ઓલ-ટાઈમ હાઈ એટલે કે 863 બિલિયન ડોલર પર પહોંચ્યું હતું. ચાલુ ફાઇનાન્શિયલ યર 2026-27ના પહેલા હાફ એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ 18.51 ટકા વધીને 259.89 બિલિયન ડોલર નોંધાયું છે, જ્યારે ઈમ્પોર્ટ વધીને 437.53 બિલિયન ડોલર થયું છે. આ સમયગાળા દરમિયાન સર્વિસિસનું એક્સપોર્ટ અગાઉના 199.02 બિલિયન ડોલરની સામે વધીને 216.31 બિલિયન ડોલર અંદાજવામાં આવ્યું છે. આમ, ગુડ્સ અને સર્વિસિસનું કમ્બાઈન્ડ એક્સપોર્ટ એપ્રિલ-સપ્ટેમ્બરમાં 476.2 બિલિયન ડોલર રહ્યું છે, જેના કારણે સરકારનું મોટું લક્ષ્ય હવે પહોંચમાં દેખાઈ રહ્યું છે.
આગામી રણનીતિ વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે ભારતે છેલ્લા 5 વર્ષમાં જે 9 ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTAs) કર્યા છે, તેનાથી દેશના એક્સપોર્ટર્સને 60 ટ્રિલિયન ડોલરની કમ્બાઈન્ડ જીડીપી ધરાવતા માર્કેટ્સમાં પ્રેફરન્શિયલ એક્સેસ મળશે. તેમણે તેલંગાણા જેવા રાજ્યોને આ ટ્રેડ એગ્રીમેન્ટ્સનો મહત્તમ લાભ ઉઠાવવા અને સ્પેસ, ડિફેન્સ, ઇલેક્ટ્રોનિક્સ, એઆઈ તથા મશીન લર્નિંગ જેવા ઉભરતા સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી છે. જો આ જ ગતિ જળવાઈ રહેશે તો ભારત આગામી સમયમાં ગ્લોબલ ટ્રેડમાં વધુ મજબૂત સ્થાન મેળવશે.
