જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા પાટીયા નજીક આવેલી માનસી હોટલ પાછળના એક ગોડાઉનમાં ઈંગ્લીશ દારૂનું કટીંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી. આ બાતમીના આધારે પીઆઈ આઈ.એ.ઘાસુરા તથા પોલીસ ટીમે ગઇકાલે રાત્રે ૧૧:૩૦ વાગ્યે તે ગોડાઉનમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી ૩ મીની ટ્રક મળી આવ્યા હતા અને એક ટ્રકનો ડ્રાઈવર ધર્મેશ નવલભાઈ યાજ્ઞિક પણ ઝડપાઈ ગયો હતો. પોલીસે ગોડાઉનની તલાસી લેતા અંદરથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૧૦૫ મોટી બોટલ તથા ૧૭૪૧૭ ચપલા મળી કુલ ૧૯૫૨૨ બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
આ ગોડાઉન જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૦ના ભાજપના મહિલા નગરસેવક મંજુબેન બાંભણીયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગા નરસીભાઈ બાંભણીયાના કબજા અને ભોગવટા હેઠળનું હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા ડ્રાઈવર ધર્મેશની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે આ મોટો દારૂનો જથ્થો વેચાણ માટે મંગાવવામાં આવ્યો હોવાની કબૂલાત કરી હતી. ડ્રાઈવરે આ પ્રકરણમાં હિતેશ ઉર્ફે વાંગા ઉપરાંત સુનિલ ધનજીભાઈ દોણાસીયા ઉર્ફે ભુતી, સુનિલ બારૈયા, દિલીપ, મેરૂ રામાભાઈ રબારી, યોગેશ કોળી, રાહુલ રેસીયા, વીમલા ડોડારા, રોહિત કોળી તથા જીગા સોલંકી ખવાસ સહિત કુલ ૧૦ શખ્સોના નામ આપ્યા છે. પોલીસે દારૂનો અંદાજે રૂ।. 40,68,517નો જથ્થો, ૩ મીની ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ।. 53,78,517નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગ્રામ્ય ડીવાયએસપી પીયુશ વાંદાને આ મામલે વાકેફ કર્યા બાદ પોલીસે તમામ ૧૧ આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા નગરસેવકના પુત્રનું નામ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામે આવતા સ્થાનિક રાજકારણમાં અને પંથકમાં ભારે ચર્ચા જાગી છે. હાલ તો પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આ ગુનામાં નાસી છૂટેલા બાકીના તમામ ૧૦ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મોટા નામ પણ બહાર આવે તેવી પૂરી શક્યતા છે.
