JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

મોક પાર્લામેન્ટ નહીં પણ હવે પીપલ્સ ઇમ્પીચમેન્ટ લાવશે ઇન્ડિયા એલાયન્સ

Oct 29, 2026 | 18:55 | By JAMNAGAR MIRROR
મોક પાર્લામેન્ટ નહીં પણ હવે પીપલ્સ ઇમ્પીચમેન્ટ લાવશે ઇન્ડિયા એલાયન્સ
ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શનનો પ્લાન બદલાયો છે. સંસદના તિરસ્કારથી બચવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખાર્ગેના ઘરે શુક્રવારે પીપલ્સ ઇમ્પીચમેન્ટ એટલે કે જન મહાભિયોગ યોજાશે, જેમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખાર્ગે સહિતના દિગ્ગજ નેતાઓ ભાગ લેશે.

ઇન્ડિયા એલાયન્સ દ્વારા ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે અગાઉ મોક પાર્લામેન્ટ યોજવાનો પ્લાન બનાવ્યો હતો, જેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સંસદના તિરસ્કાર જેવું કોઈ પગલું ન ભરાય તે માટે કોંગ્રેસે આ કાર્યક્રમનું નામ બદલીને પીપલ્સ ઇમ્પીચમેન્ટ કરી નાખ્યું છે. શુક્રવારે આ ખાસ ઇવેન્ટ કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જુન ખાર્ગેના ઘરે યોજાશે, જ્યાં ચીફ ઇલેક્શન કમિશનર સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવશે. આ અંગેની રણનીતિ નક્કી કરવા માટે આજે ઇન્ડિયા એલાયન્સના નેતાઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

આ બેઠકમાં પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર, કોંગ્રેસના પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ, નાસિર હુસેન, માનિકમ ટાગોર, પવન ખેડા, તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ'બ્રાયન, ઝારખંડ મુક્તિ મોર્ચાના મહુઆ માજી અને સમાજવાદી પાર્ટીના હરેન્દ્ર મલિક જેવા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. શુક્રવારે બપોરે 3 વાગ્યાથી શરૂ થનારી આ કાર્યવાહી સાંજે 7.30 વાગ્યા સુધી ચાલશે. પીપલ્સ ઇમ્પીચમેન્ટની દલીલોની શરૂઆત રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખાર્ગે કરશે અને તેનો અંત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કુલ 19 રાજકીય પક્ષોના નેતાઓ બોલશે, જેમાં મોટાભાગના વક્તાઓને 5 મિનિટનો સમય અપાશે જ્યારે સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસને 10-10 મિનિટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી યાદીમાંથી નામ રેટાયર્ડ કે કમી થઈ ગયા હોય તેવી વ્યક્તિઓ અને 3 સિવિલ સોસાયટીના મેમ્બર્સ પણ પોતાના વિચારો રજૂ કરશે, જેથી કુલ વક્તાઓની સંખ્યા આશરે 30 જેટલી થશે.

આ સમગ્ર આયોજન પાછળનો મુખ્ય હેતુ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી પ્રક્રિયામાં 13.5 કરોડ મતદારોના નામ વોટર લિસ્ટમાંથી હટાવવાનો વિરોધ કરવાનો છે, જોકે કોંગ્રેસનો દાવો છે કે આ આંકડો હવે વધીને 16.5 કરોડ થઈ ગયો છે. આ પીપલ્સ ઇમ્પીચમેન્ટનું સંચાલન પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર કરશે અને તેમને એક સમાજવાદી પાર્ટીના સાંસદ પણ સાથ આપશે. આ સમગ્ર કાર્યક્રમને કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોક પક્ષો દ્વારા યુટ્યુબ ચેનલ્સ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લાઈવ બ્રોડકાસ્ટ કરવામાં આવશે. અંતમાં રાષ્ટ્રગીત જન ગણ મન સાથે આ કાર્યક્રમનું સમાપન થશે.

LATEST ARTICLES