JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ઝારખંડની હોસ્પિટલના કેમ્પસમાં મોંમાં 8 મહિનાનું ભ્રૂણ લઈને ફરતો દેખાયો કૂતરો, વાયરલ વિડિયોથી હાહાકાર

Oct 29, 2026 | 18:55 | By JAMNAGAR MIRROR
ઝારખંડના પલામુમાં મેદિનીરાય મેડિકલ કોલેજ હોસ્પિટલની બહાર એક કૂતરાના મોંમાં 8 મહિનાનું ભ્રૂણ જોવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે પોલીસે 11 લોકો સામે એફઆઈઆર નોંધીને ગેરકાયદેસર રીતે ચાલતી પ્રાઈવેટ હોસ્પિટલ અને અલ્ટ્રાસાઉન્ડ સેન્ટરને સીલ કરી દીધા છે.

झારખંડના પલામુમાં આવેલી મેદિનીરાય મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેમ્પસમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. મંગળવારે હોસ્પિટલના પરિસરમાં એક રઝળતો કૂતરો તેના મોંમાં આશરે 8 મહિનાનું માનવ ભ્રૂણ લઈને ફરતો નજરે પડ્યો હતો. આ રુંવાડા ઉભા કરી દેતી ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને સનસનાટી ફેલાઈ ગઈ છે.

ઘટનાની ગંભીરતાને જોઈને તંત્ર હરકતમાં આવ્યું હતું અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે આ મામલો મેડિકલ કોલેજથી માત્ર 100 મીટરના અંતરે આવેલી એક પ્રાઈવેટ હોસ્પિટલ અને અલ્ટ્રાસાઉન્ડ ક્લિનિક સાથે જોડાયેલો છે. ત્યાં 16 વર્ષની સગીરાનું ગેરકાયદેસર રીતે એબોર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ લગભગ 8 મહિનાનું ભ્રૂણ હોસ્પિટલના કેમ્પસમાં ફેંકી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

આ ગંભીર મામલાની તપાસ બાદ જિલ્લા વહીવટી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને ઉત્તમ હોસ્પિટલ અને નિપુણ અલ્ટ્રાસાઉન્ડ સેન્ટરને સીલ કરી દીધા છે. આ કેસમાં પોલીસે કડક પગલાં લેતા કુલ 11 લોકો સામે એફઆઈઆર નોંધી છે. પોલીસ દ્વારા પોક્સો એક્ટ, પીસી-પીએનડીટી એક્ટ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ સહિતની વિવિધ કાનૂની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની મદદથી એ તપાસ કરી રહી છે કે ભ્રૂણને કોણે હોસ્પિટલ કેમ્પસમાં લાવીને ફેંક્યું હતું.

LATEST ARTICLES