તામિલનાડુના થેની જિલ્લામાં આવેલી થેક્કામપટ્ટી સબ-જેલમાંથી સોમવારે રાત્રે એકસાથે 17 અંડરટ્રાયલ કેદીઓ જેલ તોડીને ભાગી જતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ કેદીઓએ ખૂબ જ આયોજનપૂર્વક નકલી મેડિકલ ઇમરજન્સીનું નાટક રચ્યું હતું અને જેલ ગાર્ડ્સને કાબૂમાં લઈને મોટો સુરક્ષા ભંગ કર્યો હતો. આ ઘટના બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ સર્વિસના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) સંદીપ રાય રાઠોડની બદલી કરીને તેમને ચેન્નઈ TANGEDCOમાં ચીફ વિજીલન્સ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ હવે ચેન્નઈના એન્ફોર્સમેન્ટ બ્યુરો CIDના એડિશનલ DGP કે. શંકરને નવા DGP પ્રિઝન્સ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ ગંભીર સુરક્ષા ચૂક સામે આવતા જ પોલીસે ચારેય બાજુ નાકાબંધી કરીને સઘન તપાસ શરૂ કરી હતી અને પોલીસની ભારે મહેનત રંગ લાવી હતી. જેલમાંથી ફરાર થયેલા તમામ 17 કેદીઓને ઘટનાના માત્ર 43 કલાકની અંદર જ ફરીથી પકડી પાડવામાં આવ્યા હતા અને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. આ મોટી ઘટના બાદ તામિલનાડુ જેલ ડિપાર્ટમેન્ટે પણ સુરક્ષાના કડક નિયમો બનાવ્યા છે, જેના ભાગરૂપે હવે જેલ કર્મચારીઓને ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે જરૂર પડે તો ફાયરઆર્મ્સ એટલે કે હથિયારો વાપરવાની પણ છૂટ આપી દેવામાં આવી છે.
ફરીથી પકડાયેલા આ તમામ 17 કેદીઓને હવે રાજ્યની વધુ સુરક્ષિત જેલોમાં ખસેડવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે. સરકારી આદેશ અનુસાર કાનૂની તમામ ઓપચારિકતાઓ પૂરી થયા બાદ આ કેદીઓને સ્થાનિક જેલોમાંથી સેલમ, વેલ્લોર, કુંડ્ડલોર અને પુઝલની સેન્ટ્રલ જેલોમાં શિફ્ટ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં સુરક્ષામાં કોઈ જ ચૂક ન થાય અને કડક નજર રાખી શકાય.
