દિવાળીનો તહેવાર એટલે ખુશીઓનો અવસર, અને આ વખતે રાજકોટ પોલીસ માટે આ ખુશી બેવડાઈ ગઈ છે. શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ દિવાળી ટાણે જ પોલીસ દળના કર્મચારીઓ માટે એક ખૂબ જ સારો નિર્ણય લીધો છે. લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા પોલીસ કર્મચારીઓમાંથી કુલ 56 જવાનોને એકસાથે બઢતી આપવામાં આવી છે. તહેવારના માહોલમાં જ આ ખુશખબર મળતા સમગ્ર પોલીસ પરિવારમાં આનંદની લહેર દોડી ગઈ છે અને સાથીદારો દ્વારા નસીબદાર કર્મચારીઓનું મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જ ’ડાયલ 112 જનરક્ષક’ પ્રોજેક્ટ અને ’શોધ’ યોજના મંજૂર કરવામાં આવી હતી, જેના આધારે આ નવી જગ્યાઓ ઊભી થઈ છે. આ બઢતી પ્રક્રિયામાં કુલ 26 હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપીને એ.એસ.આઈ. બનાવવામાં આવ્યા છે, જ્યારે 30 કોન્સ્ટેબલને પ્રમોશન આપીને હેડ કોન્સ્ટેબલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ નવા પ્રોજેક્ટ્સ હેઠળ ડાયલ 112 ’જનરક્ષક’ યોજનામાં 22 અને ’શોધ’ યોજનામાં 4 નવી જગ્યાઓ ફાળવાઈ છે. આ બઢતી મેળવનાર તમામ જવાનોએ સરકારી નિયમ મુજબ સી.સી.સી.ની પરીક્ષા પાસ કરી છે અથવા તો 50 વર્ષની વય મર્યાદાના નિયમ મુજબ મુક્તિ મેળવેલી છે.
રાજકોટ શહેરના 12થી પણ વધુ પોલીસ સ્ટેશનો તેમજ ટ્રાફિક શાખા, ખાસ શાખા, ડી.સી.બી., સાયબર ક્રાઈમ અને મહિલા પોલીસ સ્ટેશન જેવા મહત્વના વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને આ બઢતી સાથે નવી જગ્યાઓ પર નિમણૂંક આપવામાં આવી છે. તહેવારોની મોસમમાં જ પ્રમોશન મળવાથી જવાનોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે. પોલીસ વિભાગના અધિકારીઓનું માનવું છે કે કર્મચારીઓના આ પ્રમોશનથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેમજ ક્રાઈમ કંટ્રોલની કામગીરીમાં પણ વધુ ઝડપ આવશે.
