દુનિયામાં બદલાતા સમીકરણો અને સંભવિત ખતરાઓને જોતા અમેરિકા, બ્રિટન, જાપાન અને યુરોપના અનેક દેશોએ એલર્ટ જાહેર કર્યું છે. આ દેશોએ પોતાના નાગરિકોને અચાનક આવી પડતી કુદરતી આફતો, મહામારી કે યુદ્ધ જેવા ગંભીર હાલાતનો સામનો કરવા માટે ઘરમાં જ જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક તૈયાર રાખવા જણાવ્યું છે. આ અપીલ પાછળનો હેતુ એ છે કે જો અચાનક કોઈ મોટી સેવાનો કે સપ્લાય ચેઈનનો ભંગ થાય, તો સામાન્ય લોકો મુશ્કેલીમાં ન મુકાય અને શરૂઆતના કેટલાક દિવસો સુધી જાતે જ પોતાની સંભાળ રાખી શકે. દેશની સ્થિતિ પ્રમાણે નાગરિકોને ઓછામાં ઓછા 3 દિવસથી લઈને 2 અઠવાડિયા સુધી ચાલે તેટલો સામાન ઘરે રાખવા માટે કહેવામાં આવ્યું છે.
વિવિધ દેશે પોતાની જરૂરિયાત મુજબ અલગ-અલગ ગાઈડલાઈન જારી કરી છે. જેમ કે બ્રિટને પોતાની બી રેડી કેમ્પેઈનને અપડેટ કરીને નાગરિકોને 3 દિવસનો સ્ટોક રાખવા કહ્યું છે, તો વળી જર્મનીમાં 10 દિવસ અને નોર્વે તેમજ સ્વીડનમાં 7 દિવસ સુધી ચાલે તેટલો સામાન ઘરમાં રાખવાની સૂચના અપાઈ છે. નોર્વેએ તો સ્પષ્ટ કહ્યું છે કે આ તૈયારી આતંકવાદ, સાઈબર હુમલા, મહામારી, ખરાબ હવામાન કે યુદ્ધ જેવા ખરાબમાં ખરાબ સમય માટે છે. આ સ્ટોકમાં સૌથી પહેલી પ્રાથમિકતા પાણીને અપાઈ છે, જેમાં પ્રતિ વ્યક્તિ દીઠ રોજનું 3 લીટર પીવાનું પાણી તેમજ રસોઈ અને સફાઈ માટે વધારાનું પાણી સ્ટોર કરવાનું કહ્યું છે. આ ઉપરાંત લાંબો સમય સુધી ટકી શકે તેવું ટીન કે કેનમાં પેક ફૂડ, ડ્રાય ફ્રુટ્સ, નટ્સ, પાવર બેંક, ટોર્ચ, રેડિયો, ફર્સ્ટ એઈડ કિટ, જરૂરી દવાઓ, સાબુ, ટૂથપેસ્ટ જેવા હાઈજિનના સાધનો, રોકડ રકમ અને મહત્વના ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ ઈમરજન્સી તૈયારીઓમાં માત્ર માણસો જ નહીં પરંતુ પાળતુ પશુઓ અને ઠંડા પ્રદેશોમાં રહેતા લોકોની વિશેષ કાળજી રાખવા પર ભાર મુકાયો છે. જો ઘરમાં પાળતુ પ્રાણી હોય તો તેમના માટે પૂરતો ખોરાક અને દવાઓ સ્ટોર કરવાની રહેશે, જ્યારે ઠંડા વિસ્તારોમાં વધારાના ગરમ કપડાં, ધાબળા અને હીટિંગ મટીરિયલ પણ રાખવું પડશે. આ માર્ગદર્શિકાનો મુખ્ય ઉદ્દેશ લોકોને ડરાવવાનો નથી, પરંતુ કોઈપણ મોટી અનિશ્ચિતતા કે આપત્તિના સમયમાં પરિવાર સુરક્ષિત રહે અને સરકારી મદદ પહોંચે ત્યાં સુધી જાતે જ પરિસ્થિતિ સંભાળી શકે તેવો આત્મનિર્ભર બનાવવાનો છે.
