ઈઝરાયલની ૧૨૦ બેઠકો ધરાવતી કેનેસેટ એટલે કે સંસદની સામાન્ય ચૂંટણીના પરિણામોએ દેશના રાજકારણમાં ભારે હલચલ મચાવી દીધી છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા ૮૯.૮% મતોની ગણતરી બાદ સામે આવેલા આંકડાઓએ રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે, જેમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી અને ત્રિશંકુ સ્થિતિનું સર્જન થયું છે. વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વ હેઠળના દક્ષિણપંથી ગઠબંધનને ૫૩ બેઠકો મળી છે, જ્યારે મુખ્ય વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટની પાર્ટીના ગઠબંધનને ૪૮ બેઠકો મળતી દેખાઈ રહી છે. ઈઝરાયલમાં સરકાર બનાવવા માટે ૬૧ બેઠકોની સ્પષ્ટ બહુમતી જરૂરી હોવાથી બંને મુખ્ય પક્ષો જાદુઈ આંકડાથી ઘણા દૂર છે.
આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર અરબ નાગરિકોના પ્રતિનિધિત્વ કરતા પક્ષો દ્વારા જોવા મળ્યો છે, જેમણે રેકોર્ડબ્રેક મતદાનના જોરે સંયુક્ત રીતે ૧૯ બેઠકો પર કબ્જો જમાવ્યો છે. આ તેમનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ અને ઐતિહાસિક પ્રદર્શન છે, કારણ કે ભૂતકાળમાં આ પક્ષો વધુમાં વધુ ૧૫ બેઠકો જ મેળવી શક્યા હતા. અરબ પાર્ટીઓની આ શાનદાર જીતને કારણે નેતન્યાહૂનું ટેન્શન વધી ગયું છે કારણ કે તેમને સત્તા ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે, અને અરબ નેતાઓ વિપક્ષ સાથે મળીને સત્તામાં બેસવા માટે તૈયારી પણ દર્શાવી ચૂક્યા છે.
બહુમતી માટે જરૂરી ૬૧ બેઠકોનો આંકડો ગાઠવવા માટે હવે બંને મુખ્ય પક્ષોને અરબ પાર્ટીઓના ટેકાની સખત જરૂર ઉભી થઈ છે. જો વિરોધ પક્ષો અરબ નેતાઓ સાથે હાથ મિલાવવામાં સફળ થાય, તો આ ૧૯ બેઠકો ધરાવતા પક્ષો નેતન્યાહૂને સત્તા પરથી હટાવવા માટેના મુખ્ય 'કિંગમેકર' સાબિત થશે. હાલ તો આ રાજકીય સમીકરણો વચ્ચે ઈઝરાયલમાં આગામી સરકાર કોની બનશે અને સત્તાનો તાજ કોના શિરે સજશે તે અંગે ભારે સસ્પેન્સ યથાવત રહ્યું છે.
